ચીન સહિતના પડોશી દેશો માટે ભારતમાં રોકાણ સરળ

કેન્દ્ર સરકારે ચીન સહિત ભારત સાથે સરહદ વહેંચતા એટલે કે પડોશી દેશોમાંથી આવતા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ના નિયમોમાં છૂટછાટ આપી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંગળવારે (10 માર્ચ) યોજાયેલી કેબિનેટ બેઠકમાં પ્રેસ નોટ 3 એટલે કે FDI નીતિના નિયમોમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી.

નવા નિયમો હેઠળ હવે તે રોકાણ પ્રસ્તાવોને સ્વયંસંચાલિત મંજૂરી મળી જશે, જેમાં પડોશી દેશના રોકાણકારનો હિસ્સો 10%થી ઓછો હોય અને તેનું કંપની પર કોઈ નિયંત્રણ ન હોય. આ સાથે જ, વ્યૂહાત્મક ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ માટે 60 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ખરેખર જ્યારે કોઈ વિદેશી કંપની કે વ્યક્તિ ભારતમાં કોઈ કંપની, ફેક્ટરી, વ્યવસાય કે પ્રોજેક્ટમાં સીધા પૈસા રોકે છે, તો તેને FDI કહેવાય છે.

સરકારના આ નિર્ણયની સૌથી મોટી અસર ભારતીય સ્ટાર્ટઅપ્સ અને ડીપ ટેક સેક્ટર પર પડશે. સરકારનું કહેવું છે કે આ ફેરફારોનો ઉદ્દેશ્ય ગ્લોબલ ફંડ્સમાંથી રોકાણ મેળવવાનો અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપવાનો છે.

અત્યાર સુધી પ્રેસ નોટ 3ને કારણે ઘણા ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી (PE) અને વેન્ચર કેપિટલ (VC) ફંડ્સને રોકાણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી, કારણ કે તેમાં પડોશી દેશોના રોકાણકારોનો નાનો હિસ્સો પણ સામેલ હતો. હવે 10%ની મર્યાદા નક્કી થવાથી ફંડનો પ્રવાહ સરળ બનશે.

  • સરકારે રોકાણના નિયમોમાં પારદર્શિતા લાવવા માટે ‘બેનિફિશિયલ ઓનર’ની વ્યાખ્યાને હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) રૂલ્સ, 2005 સમાન કરી દીધી છે.
  • જો કોઈ રોકાણમાં જમીન સરહદ ધરાવતા દેશના રોકાણકારનો હિસ્સો 10%થી ઓછો હોય અને તે કંપનીના નિર્ણયોને પ્રભાવિત કરતો નથી, તો તેને સરકારી મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.
  • આવી સ્થિતિમાં ભારતીય કંપનીએ ફક્ત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) એટલે કે ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગને તેની જાણકારી આપવી પડશે.

કેબિનેટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક ‘ફાસ્ટ ટ્રેક’ એપ્રુવલ સિસ્ટમને પણ લીલી ઝંડી આપી છે. હવે સ્પેશિયલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરોમાં રોકાણના પ્રસ્તાવો પર સરકારે 60 દિવસની અંદર નિર્ણય લેવો પડશે.

આનાથી ભારતીય કંપનીઓને વિદેશી કંપનીઓ સાથે મળીને ટેકનોલોજી પાર્ટનરશીપ કરવા અને જોઈન્ટ વેન્ચર બનાવવામાં મદદ મળશે. સરકારનું માનવું છે કે આનાથી ભારતને ગ્લોબલ સપ્લાય ચેઈનનો હિસ્સો બનવામાં સરળતા રહેશે.

નિયમોમાં છૂટછાટ હોવા છતાં સરકારે સુરક્ષા જાળવી રાખી છે. સંવેદનશીલ સેક્ટરમાં ફાસ્ટ-ટ્રેક મંજૂરી ત્યારે જ મળશે, જ્યારે તે કંપનીની બહુમતી શેર-હોલ્ડિંગ અને નિયંત્રણ ભારતીય નાગરિકો અથવા ભારતીય કંપનીઓ પાસે જ રહે.

આ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈપણ રોકાણથી દેશની સુરક્ષાને ખતરો ન થાય અને કંપનીનું કમાન્ડ ભારતીય હાથોમાં જ રહે.

Leave a comment

Trending