રોકાણકારો રાતા પાણીએ રડ્યા, સેન્સેક્સ 2,497 ઘટી 74,207 પર બંધ થયો

આજે શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 74,207 પર બંધ થયો, જેમાં 2,497 પોઈન્ટ (3.26%)નો ઘટાડો થયો. તેવી જ રીતે, નિફ્ટીમાં પણ 776 પોઈન્ટ (3.26%)નો ઘટાડો નોંધાયો, જે 23,002 પોઈન્ટથી નીચે આવી ગયો. જેના કારણે એક જ દિવસમાં રોકાણકારોના અંદાજે 12 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આ પહેલા, 4 જૂન, 2024ના રોજ સેન્સેક્સ 5.74% ​​ઘટ્યો હતો.

આજે બેંકિંગ અને ઓટો શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ફુગાવો વધવાનું જોખમ રહેલું છે. આનાથી કોર્પોરેટ નફામાં ઘટાડો થઈ શકે છે. પરિણામે, રોકાણકારો તેમના શેર વેચવાનું શરૂ કરે છે અને તેમની મૂડીને સુરક્ષિત રોકાણના સ્થળોએ ફરીથી ફાળવવાનું શરૂ કરે છે, જેના પરિણામે બજારમાં ઘટાડો થાય છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ હવે એક મોટા તેલ યુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે. ખાડી દેશોમાં તેલ અને ગેસ ક્ષેત્રો પર ધનાધન મિસાઈલ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ અચાનક $113 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. આનાથી એશિયન શેરબજારોમાં હાહાકાર મચ્યો છે, અને ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધડામ થઈને તૂટી પડ્યું.

HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અતનુ ચક્રવર્તીએ બુધવારે મોડી રાત્રે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આ કારણોસર આજે તેના શેરમાં આશરે 5%નો ઘટાડો જોવા મળ્યો છે. આ 38 રૂપિયા ઘટીને 804 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

બેંકે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. ચક્રવર્તીએ બેંકના કામકાજની રીતો પર સવાલો ઉઠાવ્યા છે. તેમના ગયા પછી રિઝર્વ બેંકની મંજૂરીથી કેકી મિસ્ત્રીને 19 માર્ચ 2026 થી ત્રણ મહિના માટે વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ ગઈકાલે ₹439 લાખ કરોડથી ઘટીને આજે ₹430 લાખ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં ₹9 લાખ કરોડનો ઘટાડો થયો છે.

  • સાઉથ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.31% ઘટીને 5,847 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • જાપાનનો નિકેઈ ઇન્ડેક્સ 2.47% ઘટીને 53,875 પર આવી ગયો છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.60% ઘટીને 25,608 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.95% નીચે 4,024 પર ટ્રેડ કરી રહ્યો છે.
  • ડાઉ જોન્સ 768 પોઈન્ટ (1.63%) ઘટીને 46,225ના સ્તરે બંધ થયો.
  • ટેક આધારિત ઇન્ડેક્સ નાસ્ડેક કમ્પોઝિટ 1.46% ઘટીને 22,152 પર બંધ થયો.
  • S&P 500 ઇન્ડેક્સ 91 પોઈન્ટ (1.36%) ઘટીને 6,624 પર બંધ થયો.

ઈરાન સાથે ચાલી રહેલા યુએસ-ઇઝરાયલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. પર્સિયન ગલ્ફમાંથી સપ્લાય વિક્ષેપને કારણે આજે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટના ભાવ 5% થી વધુ વધીને પ્રતિ બેરલ $112 ને પાર કરી ગયા છે. દરમિયાન, ભારતીય બાસ્કેટના ભાવ પ્રતિ બેરલ $146 પર પહોંચી ગયા છે.

Leave a comment

Trending