7 બાળકોના પિતા અને કેનેડાનું OCI કાર્ડ ધરાવતા મૌલવી સામે 28 વર્ષીય NGO કાર્યકર યુવતીએ દુષ્કર્મ, કાળાજાદુ અને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આક્ષેપો સાથે ભરૂચના પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધવી છે. જ્યારે તપાસ દરમિયાન, મૌલવીના રૂમમાંથી વાયગ્રા ટેબલેટ અને સોલ્યુશન મળ્યું હતું.
પીડિતાનો આરોપ છે કે, મૌલવીએ શારીરિક અને માનસિક રીતે પીડિતાને પ્રતાડિત કરી હતી. આ કેસમાં મૌલવી દ્વારા હાલ હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચના પાનોલી પોલીસ મથકે 52 વર્ષીય મૌલવી અજવાદ અહેમદ સામે નવેમ્બર, 2025માં દુષ્કર્મની ફરિયાદ 28 વર્ષીય યુવતીએ નોંધાવી હતી. જેની સામે ચાર્જશીટ થયા બાદ તેને ભરૂચની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. અરજદારનું કહેવું છે કે આ સહમતિના સંબંધો હતા. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે.
28 વર્ષીય યુવતી NGO સાથે સંકળાયેલ છે. આરોપીની દલીલ મુજબ તેને અગાઉ બે વખત લગ્ન કર્યા છે અને તેને 2 બાળકો પણ છે. આરોપી અને યુવતી 8 ઓક્ટોબર, 2025ના રોજ સંપર્કમાં આવ્યા હતાં. આરોપી રોજ તેને મેસેજ કરતો હતો. તેઓ હોટેલ અને સ્ટાર બક્સ કોફી શોપમાં પણ ગયા હતાં. યુવતી અરજદારના ઘરે તેના ગામમાં મળવા ગઈ હતી. ત્યારે આરોપી ઘરમાં એકલો હતો.
યુવતી તેના ગામથી સુરત જવા નીકળી હતી આરોપીએ તેના ખાતામાં 11 હજાર રૂપિયા ગૂગલ પેથી મોકલી આપ્યા હતા, તેમજ ઘટના બાદ બંને વચ્ચે વાત પણ થઈ હતી. યુવતીને આરોપી મેસેજ કરતો હોવાનો વાંધો નહોતો, આ લગ્ન બાહ્યના સંબંધો હતાં.
આરોપીના કહ્યા મુજબ આ સહમતિના સંબંધો હતા. ઘટનાના ત્રણ દિવસ સુધી યુવતી ચૂપ રહી હતી, ત્યારબાદ તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના શરીર ઉપર જબરજસ્તી કર્યાના કે ઇજાના કોઈ નિશાન નથી. વળી ફરિયાદી યુવતી દ્વારા ધર્મ પરિવર્તન કરવાની વાતનો આક્ષેપ પણ ખોટો છે.
જ્યારે ભરૂચની સેશન્સ કોર્ટમાં આરોપીને જામીન આપવા વિરુદ્ધ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી કેનેડિયન પાસપોર્ટ ધરાવે છે. જો તેને જામીન આપવામાં આવશે તો તે ભાગી જશે. આરોપીએ યુવતીને લગ્ન કરવા અને ધર્મ પરિવર્તન કરવા સમજાવી હતી.
વળી આરોપીએ બીજા લગ્ન પણ કર્યા છે, તેની બીજી પત્નીના જણાવ્યા મુજબ આરોપી હિંસક, વિકૃત અને કામુક સ્વભાવનો છે. જેથી ફરિયાદી યુવતી સાથે તેને આવું વર્તન કરેલું હોઈ શકે.
આરોપીએ ફરિયાદી યુવતીને તાવીજનો ફોટો આપીને તેને સાત દિવસ ઓશીકા નીચે મુકવા કહ્યું હતું. કાળાજાદુને લઈને યુવતીને એક વિચિત્ર ગંધનું પાણી પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એક મદરેસાનો મૌલવી છે, જે કાળો જાદુ જાણે છે. જ્યારે ભોગ બનનાર એક હિન્દુ યુવતી છે, તેને જામીન મળતા આરોપી તેને હેરાન કરી શકે તેમ છે.
આરોપી યુક્તિને વારંવાર બોલાવતો અને તેને વિચિત્ર સુગંધનું પાણી પીવડાવતો. જેથી કરીને યુવતી અર્ધ બેભાન અવસ્થામાં આવી જતી ત્યારે આરોપી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો. તપાસ દરમિયાન આરોપીના રૂમમાંથી વાયગ્રાની ટેબલેટ અને જેલી જેવું સોલ્યુશન પણ મળી આવેલ છે.
આરોપી સામે અગાઉ સુરતના મહિલા પોલીસ મથકે ઘરેલુ હિંસાની ફરિયાદ પણ વર્ષ 2022માં નોંધાયેલી છે. આરોપી OCI કાર્ડ ધરાવે છે અને તેનું કુટુંબ કેનેડામાં રહે છે, વળી તે સાત બાળકોનો પિતા પણ છે. આરોપીએ પહેલાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે નકારી હતી. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.






Leave a comment