UCC બિલની ચર્ચા વચ્ચે ગૃહમાં હોબાળો, ગોપાલ ઇટાલિયાએ માફી માંગી

ગુજરાત ભાજપે 1995 વિધાનસભાની ચૂંટણી સમયે આપેલું વચન હવે 31 વર્ષે પૂરું કર્યું છે. આજે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે UCC(યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રજૂ કર્યું હતું. આ સાથે જ ઉત્તરાખંડ બાદ UCC લાવનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમજ ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી બિલને વધાવ્યું હતું. આ સમગ્ર ચર્ચા દરમિયાન હલાલા પ્રથા, શાહબાનો કેસ, ધર્મેન્દ્રના બીજા લગ્ન તથા શ્રદ્ધા વોલ્કર કેસના પણ ઉલ્લેખ થયા હતા.

મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા જણાવ્યું કે, લઘુમતી સમાજમાં પિતરાઈ સાથેની લગ્ન પરંપરા છે. પરંતુ આ બિલમાં લઘુમતી સમાજને કાયદો લાગું નહીં પડે. સમાનતા ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું. દેશની આપણી સંસ્કૃતિ કુટુંબ ભાવના શીખવે છે.

જાતિ ભેદ ના થાય તે માટે સરકાર સતર્ક છે. લગ્નનું ફરજિયાત રજિસ્ટ્રેશન, છૂટાછેડાના સમાન નિયમો, દંડ સાથે કેટલીક મહત્વની જોગવાઈ રહેશે. લગ્ન નોંધણી નહીં કરનારને દંડ થાય તેવી જોગવાઈ છે. રાજ્યના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો આવશે. લગ્ન નોંધણી નહીં કરનારા સામે 10 હજાર દંડ, એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા છે. કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય રહેશે. કોર્ટ બહાર છૂટાછેડામાં સજા પાત્ર રહેશે. લિવ ઇન રિલેશન માટે 3 મહિનામાં નોંધણી ફરજિયાત છે. લિવ ઇન રિલેશનની જોગવાઈ કાયદાકીય સુરક્ષા માટે છે.આવા કેસમાં છેતરપિંડી કરનારને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. દરેક સમાજ અને ધર્મ માટે છૂટાછેડાના સમાન નિયમો લાગુ થશે.

ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે કેટલાક કિસ્સાઓમાં યુવકો ખોટું નામ રાખીને યુવતીઓને ફસાવી લગ્ન કરે છે અને બાદમાં સાચી ઓળખ બહાર આવતા યુવતીઓ હેરાનગતિનો ભોગ બને છે, આવા ગુનાઓને રોકવા માટે કડક પોલીસ કાર્યવાહી જ એકમાત્ર ઉપાય છે.

તેની સાથે સાથે તેમણે અદાલતી ચુકાદાનો ઉલ્લેખ કરીને ‘હલાલા’ પ્રથાની ચર્ચા કરતા સમજાવ્યું કે તલાક બાદ ફરી પતિ સાથે લગ્ન કરવા માટે સ્ત્રીને બીજા વ્યક્તિ સાથે લગ્ન કરવાની પ્રક્રિયા હોય છે. જોકે આ મુદ્દે વિરોધ નોંધાવતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે હલાલા અંગે ખોટો સંદેશ ફેલાઈ રહ્યો છે. આ પ્રથામાં શારીરિક સંબંધ ફરજિયાત હોવાનો દાવો યોગ્ય નથી.

બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે તમે ચાર લગ્નની વાત કરો છો પણ મેં તો લગ્ન કર્યા જ નથી, હું તો કુંવારો છું. જેના જવાબમાં સંઘવીએ કહ્યું કે તો આવતીકાલે જ આપણે તમારો સ્વયંવર રાખીએ.

ગૃહમાં UCC બિલને લઈને ગરમાગરમી વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના નેતાઓ શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને આદિવાસી મુદ્દે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવા પડકાર્યો હતો.

સંઘવીએ જણાવ્યું કે આ કાયદો આદિવાસી સમાજના રીતિ-રિવાજોના રક્ષણ માટે છે અને વિરોધ પક્ષ બેવડા વલણ અપનાવી રહ્યો છે. તેમણે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા પર પણ નિશાન સાધતા કોંગ્રેસ સાથે નજીકતા રાખવાના આક્ષેપ કર્યા.

Leave a comment

Trending