– નવજાત (ટ્રીપલેટ)ત્રેલડાને ૫૬ દિવસની ઘનિષ્ઠ સારવારના અંતે જીવતદાન:
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગની “વાત્સલ્ય” મિલ્ક બેન્કના માં તુલ્ય પ્રેમ અને અસરકારક સારવાર મારફતે બાળરોગ નિષ્ણાતોએ અધૂરે મહિને અને એક કિલોની આસપાસ અલ્પ વજન ધરાવતા જન્મેલા ત્રણ નવજાતને (ટ્રીપલેટ) ૫૬ દિવસના ઘનિષ્ઠ ઉપચાર પછી જીવનદાન આપી નવજાત સુરક્ષાનું પ્રભાવક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. સંદીપ ટીલવાણીએ બાળકોની સફળ સારવારના અંતે જણાવ્યા અનુસાર, અન્ય હોસ્પિટલમાંથી અત્રે આ વિભાગમાં આવેલા ૧ કિ.ગ્રામ અથવા તેથી ઓછું વજન ધરાવતા હોય તેવા ત્રેલડાને તેમની શારીરિક નબળાઈનું નિદાન કરી બે શિશુને વેન્ટિલેટર અને એકને સીપેપ ઉપર લઈ આવશ્યક સારવાર શરૂ કરી.
પરંતુ તબીબો સમક્ષ મોટો પડકાર એ હતો કે, માતાનું ધાવણ કેમ આપવું.અધૂરો મહિને જન્મેલા બાળકો સ્તનપાન કરી શકે એ માટે બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાનીના માર્ગદર્શન તળે ધાવણ પંપના સહારે દૂધ લાવવાનો ભરપૂર પ્રયત્ન શરૂ કર્યો.દરમિયાન માતાનું કાઉન્સેલિંગ કરી અન્ય માતાનું ધાવણ કીટાણું રહિત કરી શિશુને આપવા સહમત કરી,છેવટે નર્સિંગ અને તબીબોના પ્રયત્નોથી બાળકો સ્તનપાન કરી શકે તેટલું ક્રમશઃધાવણ આવતું થયું.છેવટે બાળકોને માતાનું દૂધ મળ્યું.
વેન્ટિલેટર અને મિલકબેન્કની મદદથી ૫૬ દિવસ સુધીની દેખરેખ પછી બાળકોનું વજન જરૂરી દોઢ કિલો ગ્રામ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો.આ સારવારમાં આસિ.પ્રો.ડો. યશ્વી દતાણી અને ડો.તથ્ય કેસરાણી જોડાયા હતા.
“વાત્સલ્ય” આપે છે માંની મમતા:
જી.કે. માં કચ્છની એકમાત્ર “વાત્સલ્ય”મિલ્ક બેંક નવજાત માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ રહી છે. હોસ્પીટલમાં મિલ્ક બેન્ક ધાત્રી માતાઓ પાસેથી દૂધ મેળવીને શિશુઓને આપવાની સાથે માતાઓને સ્તનપાન સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે.એ રીતે અનેક શિશુઓ માટે સ્તનપાનનો પ્રશ્ન હળવો થઈ શક્યો છે.એમ ડો. સંદીપ ટીલવાણીએ જણાવ્યું હતું.






Leave a comment