1 એપ્રિલથી ટ્રેનની ટિકિટ કેન્સલેશનના નિયમમાં ફેરફાર, બોર્ડિંગ સ્ટેશન ચેન્જ કરવાનો નિયમ પણ બદલાશે

ભારતીય રેલવેએ ટિકિટ રદ કરવાના નિયમો બદલી નાખ્યા છે. હવે જો કોઈ મુસાફર ટ્રેનના સમયથી 8 કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે છે, તો તેને કોઈ પૈસા પાછા મળશે નહીં. એટલે કે, જો તમારી ટ્રેન સાંજે 6 વાગ્યે છે, તો તમારે સવારે 10 વાગ્યા પહેલા ટિકિટ રદ કરવી પડશે, તો જ રિફંડ મળશે.

પહેલા આ સમય 4 કલાકનો હતો અને ત્યારે 50% રિફંડ મળતું હતું. હવે સમય વધારીને 8 કલાક કરવામાં આવ્યો છે, પરંતુ 24 થી 8 કલાકની વચ્ચે રદ કરવા પર હજુ પણ 50% પૈસા જ પાછા મળશે. આ ઉપરાંત, હવે મુસાફરો ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે જણાવ્યું હતું કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી એજન્ટો અને દલાલો ટિકિટોનો સંગ્રહ ન કરી શકે. નવા નિયમો 1 થી 15 એપ્રિલ 2026 ની વચ્ચે અલગ-અલગ તબક્કામાં લાગુ થશે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દલાલોની પેટર્નને જોતા આ બદલાવ કરવામાં આવ્યો છે. દલાલો અવારનવાર વધારાની ટિકિટ બુક કરી લેતા હતા અને ગ્રાહક ન મળવા પર ટ્રેન છૂટવાના બરાબર પહેલા કેન્સલ કરીને રિફંડ લઈ લેતા હતા.

રિફંડના નિયમોને કડક કરવાથી દલાલો દ્વારા ટિકિટોની ‘કોર્નરિંગ’ (ટિકિટ દબાવી રાખવી) ઓછી થશે અને સામાન્ય યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધશે.

રેલ મંત્રાલયે બોર્ડિંગ સ્ટેશન બદલવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે મુસાફરો ટ્રેનના શેડ્યૂલ ડિપાર્ચર ટાઈમથી 30 મિનિટ પહેલા સુધી પોતાનો બોર્ડિંગ પોઈન્ટ બદલી શકશે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત ચાર્ટ તૈયાર થાય તે પહેલાં સુધી જ મળતી હતી.

આ નિયમ એવા મોટા શહેરોમાં ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યાં એકથી વધુ રેલવે સ્ટેશન છે, મુસાફરો પોતાની સુવિધા અનુસાર કોઈપણ નજીકના સ્ટેશનથી ટ્રેન પકડી શકશે.

યાત્રી IRCTC ની વેબસાઇટ, એપ કે રેલવે કાઉન્ટર દ્વારા પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. જોકે એકવાર બોર્ડિંગ પોઈન્ટ બદલ્યા પછી તમે જૂના સ્ટેશનથી ટ્રેન પકડી શકશો નહીં.

રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં રિફંડના જૂના નિયમો ચાલુ રહેશે. જો ટ્રેન સંપૂર્ણપણે રદ થઈ જાય અથવા તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાકથી વધુ મોડી પડે, તો યાત્રી TDR ફાઇલ કરીને પૂરો રિફંડ ક્લેમ કરી શકે છે.

આ ઉપરાંત, જો ચાર્ટ બન્યા પછી પણ ટિકિટ સંપૂર્ણપણે વેઇટિંગમાં રહી જાય, તો તે આપમેળે રદ થઈ જશે અને પૂરા પૈસા પાછા મળશે.

Leave a comment

Trending