રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વહેતી થયેલી અફવાઓના પગલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર મામલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના ડિવિઝનલ રીટેલ સેલ્સ હેડ અમીત શીવપ્રસાદ જયસ્વાલ દ્વારા રાજકોટ જીલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસોશીએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે પોલીસે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 23 માર્ચે હર્ષ સંઘવીએ પેટ્રોલ-ડીઝલની અછત અંગે અફવા ફેલાવનારાઓ સામે કડક ચેતવણી આપી હતી. તેને કહ્યું હતું કે, રાજ્યમાં ખોટી માહિતી ફેલાવનારા સામે કડક પગલાં લેવામાં આવશે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ ઘટનાની શરૂઆત 23 માર્ચ, 2026ના રોજ થઈ હતી. સવારના આશરે 10:30 કલાકે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ IOCL ભવન ખાતે ગોપાલ ચુડાસમા આશરે 40થી 50 પેટ્રોલ-ડીઝલ ડીલરો અને મીડિયા કર્મચારીઓ સાથે કોઈપણ પૂર્વ મંજૂરી વગર પહોંચ્યા હતાં. ત્યાં તેઓએ IOCLના અધિકારી અમીત જયસ્વાલ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે પૂછપરછ કરી હતી.
દરમિયાન અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કંપની પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત રીતે મળી રહેશે. ડીલરોએ ત્યારે સહયોગ આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું. જોકે, ઓફિસની બહાર નીકળ્યા બાદ ગોપાલ ચુડાસમાએ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તદ્દન વિપરીત નિવેદનો આપ્યા હતાં. તેમણે એવો દાવો કર્યો હતો કે પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે અને પંપો ‘ડ્રાય’ થઈ ગયા છે.
આ ખોટા નિવેદનો ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઈ જતાં સામાન્ય જનતામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ ગોપાલ ચુડાસમા દ્વારા ફેલાવવામાં આવેલી આ ખોટી માહિતીના કારણે લોકોમાં પેનિક સર્જાયું હતું.
લોકો એવું માની બેઠા હતા કે હવેથી ઈંધણ મળશે નહીં, જેના કારણે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિને કારણે શહેરમાં અરાજકતાનું વાતાવરણ ઉભું થયું હતું. તેમજ સામાન્ય નાગરિકોને ખોટી રીતે હેરાનગતિ ભોગવવી પડી હતી.
IOCLના અધિકારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલની વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઈંધણનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં જવાબદાર પદ પર રહેલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની અફવા વિતરણ વ્યવસ્થામાં અડચણ ઉભી કરી શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાવી શકે છે.
IOCL કંપનીનાં સેલ્સ હેડ અમીત જયસ્વાલે નોંધાવેલી આ ફરિયાદના આધારે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કંપની પાસે જથ્થો હોવા છતાં ખોટા નિવેદનો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા ગોપાલ ચુડાસમા અને આ અફવા ફેલાવવામાં અન્ય જે કોઈની સંડોવણી હશે તેની સામે કડક પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં હોવાનું જણાવાયું છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે આવી કોઈપણ પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.
પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો તમામ પંપો પર નિયમિત રીતે પહોંચાડવામાં આવી રહ્યો છે અને જથ્થાની કોઈ અછત નથી. ત્યારે લોકો અફવાઓમાં દોરાય નહીં અને ખોટી લાઈનો પણ ન લગાવે તે જરૂરી છે.





Leave a comment