કચ્છનું મુખ્ય મથક ભુજ શહેર છેલ્લા થોડા વર્ષોમાં વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં રહેણાંક અને વ્યાવસાયિક બંને પ્રકારના બાંધકામોમાં નોંધપાત્ર વધારો થયો છે અને મોટા પ્રમાણમાં લોકો અહીં વસવાટ માટે આવી રહ્યા છે. આ વિકાસની ગતિ વચ્ચે હવે ભુજ વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા લેવામાં આવેલા એક નવા નિર્ણયને લઈને વિવાદ ઊભો થયો છે.
ભુજ વિસ્તાર વિકાસ સતામંડળ (ભાડા) દ્વારા તા. 17 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા હુકમ મુજબ હવે બાંધકામ વિકાસ પરવાનગી મેળવતી વખતે ‘વિકાસ દર’ (Development Charges) વસૂલવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય તા. 18 નવેમ્બર,2025ની 42મી બોર્ડ બેઠકના ઠરાવ નં. 3ના આધારે લેવામાં આવ્યો હોવાનું પ્રાપ્ત પરિપત્રમાં જણાવાયું છે. દસ્તાવેજ મુજબ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક ઉપયોગ માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે, જે પ્રમાણે લોકો પાસેથી પ્રતિ ચોરસ મીટર વિકાસ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ભાડા પાસે હાલ અંદાજે 110 કરોડથી વધુનું ભંડોળ ઉપલબ્ધ છે, જે સંસ્થાની કામગીરી માટે પૂરતું છે. આવી સ્થિતિમાં લોકો પર વધારાનો આર્થિક ભાર મૂકવો યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના અન્ય વિસ્તારોમાં આ પ્રકારનો વિકાસ દર વસૂલાતો નથી, જેથી ભુજમાં જ આ પ્રકારનો નિયમ લાગુ કરવો અસમાનતા ઉભી કરે છે. શહેરમાં પહેલાથી જ મોંઘવારી અને બાંધકામ ખર્ચ વધતો જઈ રહ્યો છે, ત્યારે આ નવા ચાર્જથી સામાન્ય નાગરિક અને બિલ્ડરો બંનેને આર્થિક અસર પડશે.
ભુજની દરેક સમસ્યા માટે હંમેશા અધિકારીઓ અને નેતાઓ સમક્ષ ધારદાર રજૂઆત કરતા ભુજ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું કે ભાડાની રચના બાદ બાંધકામની મંજૂરી સિવાય અન્ય વિકાસના કાર્યો કેટલા કર્યા અને તેની સામે તેમની પાસે નાણાકીય આવક અને બચત શું થઈ છે તે લોકો સમક્ષ રજૂ કરે તો ખ્યાલ આવે. વિકાસ દર લાગુ કરવાનો તઘલખી નિર્ણય લેવાની જરૂરિયાત નથી, તો આ ચાર્જ લગાવવો ન જ જોઈએ. માટે તાત્કાલિક અસરથી આ હુકમને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. ભુજમાં હાલ અનેક નવા પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે અને આગામી સમયમાં વધુ બાંધકામો થવાના છે. આવા સમયે વિકાસ દર વસૂલવાનો નિર્ણય વિકાસની ગતિને અસર કરી શકે છે કે કેમ તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે.રહેણાંક બાંધકામ માટે રૂ.20 અને વાણિજ્ય બાંધકામ માટે રૂ.30 પ્રતિ મીટર વધારો ભુજ વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા પરિપત્ર મુજબ બાંધકામ વિકાસ પરવાનગી વખતે વિકાસ દર નક્કી કરાયો છે. આ હુકમ અનુસાર રહેણાંક માટે પ્રતિ ચો.મી. ₹10 (ખુલ્લી જમીન) અને ₹20 (બાંધકામ ક્ષેત્ર), વાણિજ્ય માટે ₹15 અને ₹30, ઔદ્યોગિક માટે ₹12 અને ₹25 તેમજ અન્ય માટે ₹5 અને ₹15 દર નક્કી કરવામાં આવ્યા છે. આ દરો તા. 18/11/2025ની બોર્ડ બેઠકના ઠરાવ નં. 3ના આધારે અમલમાં મુકાયા છે. નવા આંકડાકીય દરથી ભુજમાં બાંધકામ ખર્ચમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.





Leave a comment