રાપરના ત્રિકમનગરમાં થયેલી દયારામ ઉર્ફે દયાલ કોળીની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. ઘર પાસે ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે થયેલી આ હત્યાથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
પીઆઇ જે.બી.બુબડીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાપર પોલીસ સ્ટેશનમાં ગત તા. 26/03/2026 ના રોજ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં મૃતક દયારામ કોળીએ આરોપીઓને પોતાના ઘર પાસે ગાળો બોલવાની અને ત્યાં ન બેસવા માટે ઠપકો આપ્યો હતો.
આ બાબતનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા દયારામ સાથે ઝઘડો કર્યો હતો અને મૃતકના માતા પિતાની સામે જ પેટના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.
બનાવની ગંભીરતા જોઈને પૂર્વ કચ્છ ગાંધીધામ એસપી સાગર બાગમાર અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા હતા.
આ દરમિયાન મળેલી બાતમીના આધારે આ હત્યા કરનાર બે મુખ્ય આરોપી દિનેશ તળશી કોળી અને પરબત પ્રતાપ કોળી ને ગણતરીના કલાકોમાં પકડી લીધા હતા. આ કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ એલ.સી.બી. પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમ જોડાઈ હતી.






Leave a comment