અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઇ છે.
સ્પેનના અખબાર ‘અલ પાઈસ’ (El País) ના અહેવાલ અનુસાર, સ્પેને ઈરાન સામેના યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી અમેરિકી સૈન્ય ફ્લાઈટ્સ માટે પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ઉપરાંત, સ્પેને તેના રોટા અને મોરોન એર બેઝનો ઉપયોગ યુદ્ધ કે રિફ્યુઅલિંગ ઓપરેશન્સ માટે કરવા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ કડક વલણને કારણે વોશિંગ્ટનને મોરોન એર બેઝ પર B-52 અને B-1 બોમ્બર્સ તૈનાત કરવાનો પોતાનો પ્લાન રદ કરવાની ફરજ પડી છે. સ્પેન સરકાર સાથેની પરામર્શ બાદ અમેરિકાએ આ મોટો સૈન્ય નિર્ણય લેવો પડ્યો છે, જે મધ્ય પૂર્વના આ સંઘર્ષમાં અમેરિકા માટે એક મોટો રાજદ્વારી ફટકો માનવામાં આવી રહ્યો છે.
ઇરાન ઈઝરાયલ સાથે હવે જેવા સાથે તેવા જેવું વર્તન કરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા હતા ત્યારે ઈરાને પણ હવે એની જ ભાષામાં ઈઝરાયલને જવાબ આપ્યો છે. આ વખતે હાઇફામાં ઈઝરાયલની ઓઈલ રિફાઇનરીને નિશાન બનાવી છે. જેના પગલે ભારે ધૂમાડાની સાથે આગ ભડકતી દેખાઈ રહી છે.
ઈરાન વિરુદ્ધમાં દરરોજ કંઇક નવું થઇ રહ્યું છે. તેહરાન ઝૂકવા તૈયાર નથી ત્યારે અમેરિકા પણ યુદ્ધને ખતમ કરવા તૈયાર દેખાઇ રહ્યું નથી. આ સૌની વચ્ચે મિડલ ઈસ્ટમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 50000ને વટાવી ગઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ 2500 મરીન અને 2500 નાવિકોના નવા જથ્થાના આગમનથી ઘેરાબંદી મજબૂત થઈ ચૂકી છે. હવે ટ્રમ્પ ગમે ત્યારે આ યુદ્ધને લઇને મોટો નિર્ણય કરી શકે છે જેનાથી ઈરાન સહિત આખી દુનિયામાં અસર દેખાશે.
ઈરાનની રેવોલ્યૂશનરી ગાર્ડ્સ (IRGC) ના નેવી કમાન્ડર અલીરેઝા તંગસીરીના મૃત્યુની પુષ્ટી થઈ ચૂકી છે. IRGCએ એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમને ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં અનેક ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેમની હાલત બગડી ગઈ હતી. ગત અઠવાડિયે જ ઈઝરાયલના ડિફેન્સ મંત્રી ઈઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે અમારા હુમલામાં તે માર્યા ગયા છે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના પ્રમુખ એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલના IDF ચીફ એયાલ અમીર વચ્ચે એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ છે, જેમાં ઈરાન વિરુદ્ધ આગામી સૈન્ય વ્યૂહરચના અને તેના હથિયાર કાર્યક્રમને રોકવા પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અત્યાર સુધી આ યુદ્ધ માત્ર હવાઈ હુમલાઓ સુધી સીમિત હતું, પરંતુ હવે પેન્ટાગન દ્વારા ઈરાન પર કેટલાક અઠવાડિયા સુધી ચાલી શકે તેવા મોટા ‘ગ્રાઉન્ડ ઓપરેશન’ (જમીની હુમલા) માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય કરે, તો અમેરિકન સેના લાંબા સમય સુધી ટકી શકે તેવા જમીની અભિયાન માટે સજ્જ છે. અત્યાર સુધીના ઓપરેશનમાં 900 થી વધુ હુમલાઓ અને ટોચના નેતાઓના મોતના પગલે હવે આ યુદ્ધ વધુ ખતરનાક વળાંક પર પહોંચ્યું હોય તેવું જણાય છે.
અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ અને અમેરિકાના અન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઈરાની સેનાએ કુવૈતમાં મિસાઈલો ઝીંકી હતી. જેમાં પાવર પ્લાન્ટ તથા વૉટર ડિસેલિનેશન પ્લાન્ટને ગંભીર નુકસાન થયું હતું. આ હુમલામાં એક ભારતીય શ્રમિકનું પણ મોત નીપજ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનું આયોજન થશે. તેમાં મધ્યસ્થી કરનારા દેશો પણ હાજર રહેશે. આ યુદ્ધને કારણે લોકોના રોજગાર અને સામાન્ય જનજીવન પર ગંભીર અસર થઇ છે.






Leave a comment