માર્ચ માસની શરૂઆતમાં ભારે ગરમી બાદ 19 માર્ચથી કચ્છના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે એપ્રિલ માસની શરૂઆત પણ માવઠા સાથે થાવની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી કચ્છમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે. આજે કચ્છ સહીત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા સાથે વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી.
જો કે ફરી ૩ અને 4 એપ્રિલના રોજ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકના તાપમાન પર નજર કરીએ તો,ભુજમાં 33.0 ડિગ્રી, નલિયા 30.2, કંડલા પોર્ટ 33.5 ડીગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 34.8 ડીગ્રી રહ્યું હતું. જો કે કાલથી માવઠાના કારણે તાપમાનમાં પણ 2થી ૩ ડીગ્રીના ઘટાડાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.






Leave a comment