અમેરિકાની ટેક કંપની ઓરેકલે ભારત સહિત વિશ્વભરમાં આશરે 30 હજાર જેટલા કર્મચારીઓની એક સાથે છટણી કરી નાખી હોવાના અહેવાલો છે. જેમાં સૌથી વધુ 12 હજાર કર્મચારીઓ માત્ર ભારતના છે. વળી નવાઇની વાત એ છે કે કર્મચારીઓને વહેલી સવારે છ વાગ્યે માત્ર એક ઇમેલ મોકલીને નોકરીમાંથી કાઢી મુકવાની જાણકારી આપવામાં આવી. કંપનીના કર્મચારીઓએ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી.
ઓરેકલના કોમ્પ્યુટિંગ બિઝનેસને હાલ અનેક પ્રાંતોમાં મોટો ફટકો પડયો છે, જેમાં ભારત અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે. ઓરેકલ દ્વારા સત્તાવાર આ છટણીની કોઇ માહિતી જાહેર કરવામાં નથી આવી પરંતુ કર્મચારીઓએ પોતાને જે ઇમેલ કંપની તરફથી મળ્યો તેની વિગતો જાહેર કરી છે. ઓરેકલ દ્વારા કર્મચારીઓને જે ઇમેલ મોકલવામાં આવ્યો છે તેમાં લખ્યું છે કે કંપનીમાં મોટા ફેરફાર ચાલી રહ્યા છે, આ ફેરફારોને કારણે એવો નિર્ણય લેવાયો છે કે કર્મચારી તરીકે કંપનીમાં તમારુ જે પદ હતું તેની હવે કોઇ જરૂર નથી રહી.
ઓરેકલના ભારતમાં જ 30 હજાર જેટલા કર્મચારીઓ છે જેમાંથી 12 હજાર જેટલાને છૂટા કરવામાં આવ્યા છે જ્યારે વૈશ્વિક સ્તરે 30 હજાર કર્મચારીઓની છટણી કરાઇ હોવાના અહેવાલો છે. કંપનીના એક પૂર્વ કર્મચારી મેરુગુ શ્રીધરે કહ્યું હતું કે કંપનીએ ભારતમાં 16 કલાકની વર્ક શિફ્ટ રાખી હતી જેના વિરોધમાં મે સામેથી જ કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. કેટલાક કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો જાહેર કર્યા છે, રેડિટ પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મારા પિતા 20 વર્ષથી ઓરેકલમાં કામ કરી રહ્યા હતા, તેમને કેન્સર છે, કંપનીએ તેમને એક પણ ફોન ના કર્યો અને માત્ર એક ઇમેલથી છૂટા કરી દીધા. આ કંપનીઓ ખરેખર રાક્ષસ છે. કેટલાકે જવાબમાં લખ્યું કે જે કર્મચારીઓ કંપનીને ઉભી કરવામાં પીઠબળ બન્યા તેમને માત્ર એક ઇમેલથી જ છૂટા કરી દેવાયા. આ ખરેખર સારુ નથી થયું. ભારતમાં ઓરેકલના અન્ય જે કર્મચારીઓ છે તેમની નોકરી પણ જોખમમાં છે, કેમ કે અહેવાલો મુજબ એક મહિનામાં કંપની વધુ અનેક કર્મચારીઓની છટકણી કરવાની તૈયારીમાં છે.





Leave a comment