દુર્લભ એબી નેગેટિવ બ્લડ ગ્રૂપ, હળવો  થેલેસેમીયા અને પ્રસૂતાના પેટમાં રહેલા બાળકને જટિલતા છતાં માતા બાળકને બચાવી લેવાયા

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બ્લડબેંક મારફતે સ્ત્રીરોગ વિભાગમાં દાખલ હળવી સ્થિતિના થેલેસેમીયાગ્રસ્ત પ્રસૂતાને  લોહી અને તેના જરૂરી પ્લેટલેટ ઘટક સમયસર પૂરા પાડી માતાનો જીવ બચાવી લીધો.બ્લડબેંક અને સ્ત્રીરોગ વિભાગે સંયુક્ત કાર્યવાહીથી બંને માતા અને બાળક આજે સુરક્ષિત છે.

બ્લડબેંકના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર સ્ત્રીરોગ વિભાગમાં પ્રસુતિ માટે દાખલ થયેલા માતાને માયનોર થેલેસેમીયા હતું અને તેમના શરીરમાં પ્લેટલેટ ખૂબ ઘટી ગયા હતા.તેમને લોહીની અત્યંત આવશ્યકતા ઊભી થઈ હતી.સાથે તેમનું બ્લડ ગ્રુપ પણ  AB – ve હતું જેને દુર્લભ કક્ષાનું ગણવામાં આવે છે.

કાઉન્સેલર દર્શન રાવલ અને સ્ટાફના  પ્રયાસોથી બ્લડ બેંક દ્વારા એકજ કલાકમાં ૧૭ રક્તદાતાનો સંપર્ક કર્યો અને રક્તદાતાઓ પણ સ્થિતિની ગંભીરતા પારખી જતાં તાત્કાલિક બ્લડબેંકમાં આવી લોહીનું દાન કરી માતાનો જીવ બચાવવા  યોગદાન આપ્યું. બીજી તરફ બ્લડબેંકના તબીબોએ પણ બ્લડમાંથી જરૂરી કણો વિભાજિત કરી જરૂરી પ્રોડક્ટ પૂરા પાડ્યા.

સ્ત્રીરોગ વિભાગના ડો.મહેક પિંડોરિયાએ કહ્યું કે,   પ્રસૂતાબેન અત્રે આવ્યા ત્યારે પ્લેટલેટ માત્ર ૧૪૦૦૦ હતા.વળી માતાના પેટમાં જ બાળકને જટિલતા ઉત્પન્ન થઈ હતી, તેથી સ્ત્રીરોગ નિષ્ણાત ડો.ચાર્મીબેન પાવાણીની રાહબરી હેઠળ સીઝેરીયન કર્યું અને પ્રથમથી તબક્કાવાર લોહીના ઘટકો પ્રસૂતાને ચડાવ્યા. રજા આપી ત્યારે પ્લેટલેટ ૧૧૦૦૦૦ સુધી પહોંચી ચૂક્યા હતા અને હિમોગ્લોબિનમાં સુધારો હતો.

આમ બંને વિભાગના સંયુક્ત પ્રયાસથી બેઉ માતા અને બાળકનો જીવ બચી શક્યો.ડો. જિગ્નાબેન ઉપાધ્યાયે  સમયની ગંભીરતા સમજી રક્તદાન કરવા બદલ દાતાઓનો આભાર માન્યો હતો.

Leave a comment

Trending