કોઈપણ વ્યક્તિનું “મોઢું ખુશ તો તન અને મન બંને ખુશ” આવું તો જ બની શકે જો દાંતનું આરોગ્ય જળવાય,યોગ્ય રીતે ખોરાક લઈ શકાય અને આત્મવિશ્વાસથી બોલી શકાય. એટલે જ મૌખિક સ્વાસ્થ્યનું અત્યંત મહત્વ જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થા ૨૦મી માર્ચના દિવસે મોઢાના સ્વાસ્થ્ય દિન ની ઉજવણી કરે છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના દંત ચિકિત્સક ડો.નિયંતા ભાદરકાના જણાવ્યા મુજબ દાંત અને પેઢાના રોગની જો સારવાર ન કરાય તો હદયરોગ,ડાયાબિટીસ,જડબાના રોગ સાથે સમગ્ર શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે.માટે દિવસમાં બે વાર બ્રશ,૬ મહિને દાંતની તપાસ,ખાંડ અને મીઠું ઓછું ખાવું,તમાકુથી અને નશાથી દૂર રહેવું, બ્રશિંગ, ફ્લોશિંગ અને નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.
શરીરના અન્ય અંગોની સરખામણીમાં મોઢાના આરોગ્યને સામાન્ય રીતે હળવાશથી લેવાય છે.માટે જ આ દિવસ મોઢાની મૂળભૂત કાળજી લેવાની યાદ આપવા માટે યોજાય છે.ભારતમાં ૬૦ થી ૬૫ ટકા લોકો ઓરલ સ્વાસ્થ્યથી પીડિત છે.
ડૉ.નિશા મોરડીયા અને પિરિયોડેન્ટિસ્ટ ડો.તન્વી તિલોકાણીએ જણાવ્યું કે,મૌખિક સ્વાસ્થ્ય એટલે દાંત, પેઢા, જીભ અને આખું મોઢું સ્વચ્છ અને રોગમુક્ત રાખવું. આમ કરવા માટે દૈનિક સ્વચ્છતાની આદતોનું પાલન કરવું પડે. દાંતની સફાઈ, દાંતનું પોલાણ ભરવું, ચેપગ્રસ્ત દાંત માટે રૂટ કેનાલ પેઢાનો(પિરિઓડોન્ટલ) ઉપચાર નિયમિત જરૂરી બને છે.માટે જ કહેવાય છે કે,ચહેરા ઉપર સ્મિત તો જ આવે જો તન અને મન સ્વસ્થ હોય અને તન મન તો જ નીરોગી રહે જો શરીરનું પ્રવેશદ્વાર એટલે મોઢું તંદુરસ્ત હોય.
મોઢામાં દેખાતા આ સંકેતોનો નજરઅંદાઝ કરવા નહીં:
કોઈપણ ગંભીર બીમારી અચાનક નથી આવતી, પરંતુ કેટલાક સંકેતો ચોક્કસ આપે છે.શરીરમાં અમુક બીમારીના શરૂઆતી લક્ષણ પ્રથમ મોઢામાં દેખાય છે. જો આ સંકેતોનો ઓળખી લેવામાં આવે તો મોટી સમસ્યામાંથી બચી શકાય છે,જેમ કે પેઢા માં ખૂન આવવું, દાંત ઢીલાં થવા, મોઢામાં લગાતાર ચાંદા પડવા, મોઢામાં સફેદ લાલ રંગના ડાઘ દેખાવા અને ચાવતી વખતે દર્દ જેવી અસર થાય તો તબીબનો સંપર્ક કરવો.





Leave a comment