અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલમાં કિશોર વયના દર્દીના શરીરમાં રહેલા કોઢ(સફેદ દાગ) ઉપર ત્વચા પ્રત્યારોપણ સર્જરી (સક્શન બ્લિસ્ટર ગ્રાફ્ટિંગ) સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી અને ટૂંક સમયમાં સફેદ દાગની જગ્યાએ ત્વચાના કુદરતી રંગની ચમક આવશે તેવો વિશ્વાસ તબીબોએ વ્યક્ત કર્યો હતો.
હોસ્પિટલના સ્કિન નિષ્ણાતો ડો.ઐશ્વર્યા રામાણી અને ડો. ટવીંકલ રંગનાણીના માર્ગદર્શન હેઠળ થયેલી આ સર્જરીમાં દર્દીના શરીરમાં રહેલી સ્વસ્થ ત્વચામાંથી રંગકોષો લઈ, સફેદ દાગ ધરાવતા ચામડીના ભાગ ઉપર રોપિત કરવામાં આવ્યા હતા. તબીબોએ કહ્યું કે, ઘણા દર્દીઓને દવાઓ અને થેરાપીથી ફાયદો થાય છે, પરંતુ આવી સર્જરી ખાસ કરીને સફેદ દાગના એવા દર્દીઓ માટે જરૂરી બને છે કે, જેમને લાંબા સમયથી સ્થિર રહેલા દાગ માટે અને એ દાગ ઉપર દવા અસર ન કરતી હોય તેથી આવા દાગ માટે સર્જરી જ એકમાત્ર અક્સિર વિકલ્પ છે. આ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી હતી.
આ પ્રત્યારોપણ સર્જરી સુરક્ષિત છે. ઓછા સમયમાં થાય છે અને દુખાવો પણ ખૂબ ઓછો રહે છે તેમજ હોસ્પિટલમાંથી દર્દીને વેળાસર ડિસ્ચાર્જ પણ આપવામાં આવે છે. આ સર્જરીમાં ડો. જય અમલાણી, ડો.નૌશીન શેખ, ડો. મેઘા પટેલ, ડો સાક્ષી શાહ, ડો. પાર્થ કગથરા અને ડો. આર્યા પટેલ જોડાયા હતા.
તબીબોએ ઉમેર્યું કે, કોઢ એક ઓટોઇમ્યુન ત્વચા રોગ છે. જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જવાથી તે શરીરના રંગ દ્રવ્ય બનાવતા કોષ ઉપર હુમલો કરે છે પરિણામે ચામડી ઉપર સફેદ દાગ દેખાય છે. આ રોગ ચેપી નથી તેમજ સંપર્કથી પણ ફેલાતો નથી માટે ગભરાવાની જરૂર નથી. સમયસર સારવાર, નિદાનથી નિયંત્રિત કરી શકાય છે. જો શરીર પર સફેદ દાગ દેખાય તો વિલંબ કર્યા વગર ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. યોગ્ય સારવારથી સફેદ દાગમાં નોંધપાત્ર સુધારો શક્ય છે અને દર્દીઓ આત્મવિશ્વાસ સાથે સામાન્ય જીવન જીવી શકે છે.
જી.કે.માં ત્વચા માટે અધ્યતન સર્જરી સુવિધા:
જી.કે.માં આ ઉપરાંત પંચ ગ્રાફ્ટિંગ અને મેલેનોસાઇટ ટ્રાન્સફર જેવી અલગ અલગ પ્રકારની અદ્યતન સર્જરી પણ ઉપલબ્ધ છે. યુ.વી. ફોટો થેરાપી પણ અત્રે આપવામાં આવે છે. જેના માટે યુવી ચેમ્બર(ફોટોથેરાપી) મશીન આખા કચ્છમાં એક માત્ર જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે જ ઉપલબ્ધ છે.






Leave a comment