અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી મંગળવારની ડેડલાઇનના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. આ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની(Strait of Hormuz)ને ઈરાન માટે ફરીથી ખોલવા માટેની સમયમર્યાદાની સીધી અસરને પગલે મંગળવારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકાથી વધુનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ભાવ નવા રૅકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ભારતીય વાયદા બજાર (MCX) પર પણ ક્રૂડ 300 રૂપિયાથી વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલ રૅકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. હોર્મુઝ સ્ટ્રેટ પર વધતા અવરોધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિથી તેલ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઇલ માર્કેટમાં નોંધાયેલા તાજેતરના આંકડા પ્રમાણે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ 3 ટકા અથવા 4.15 ડૉલરથી વધીને 116.56 ડૉલર પર પહોંચી ગયું છે. બીજી તરફ સવારે 9:57 વાગ્યા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.69 ટકા અથવા 1.86 ડૉલરના વધારા સાથે 111.63 ડૉલરના ઈન્ટ્રાડે ઊંચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડે આ સંઘર્ષની શરૂઆતથી 60 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જે 27 ફેબ્રુઆરીના 72.48 ડૉલરના સ્તરથી ઉછાળા સાથે 9 માર્ચ સુધીમાં 119.50 ડૉલર પર પહોંચી ગયું હતું.
મંગળવારે વાયદા બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 300 રૂપિયા વધીને 10,888 રૂપિયા પ્રતિ બેરલના રૅકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. આ વધારો સતત પુરવઠા સબંધિત ચિંતાઓ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે મજબૂત વૈશ્વિક ઊર્જા માપદંડો અનુરુપ રહ્યો.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ડિલિવરી માટે ક્રૂડ ઓઇલના ભાવમાં 300 રૂપિયા અથવા 2.83 ટકાનો વધારો નોંધાયો હતો અને તે 10,888 પ્રતિ બેરલની ઓલ-ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. તેવી જ રીતે મે મહિનાના કોન્ટ્રેક્ટમાં પણ 170 રૂપિયા અથવા 1.82 ટકાનો વધારો થયો અને તે MCX પર 9,485 પ્રતિ બેરલના નવા સ્તરે પહોંચી ગયો છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઉછાળો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકન પ્રમુખ દ્વારા ઈરાન પ્રત્યે દેખાડવામાં આવેલ આક્રમક વલણ બાદ નોંધાયો છે. પ્રમુખ ટ્રમ્પે કડક ચેતવણી આપતા6 કહ્યું છે કે, જો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મંગળવાર રાત્રિની ડેડલાઇનનું પાલન નહીં કરે, તો તેના પર વિનાશ વેરવામાં આવશે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે, ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકાય છે. ટ્રમ્પના મતે જો કોઈ કરાર નહીં થાય તો ઈરાનમાં દરેક પુલ નષ્ટ કરી દેવામાં આવશે અને ત્યાંનો દરેક પાવર પ્લાન્ટ હંમેશા માટે તબાહ કરી દેવામાં આવશે.
બીજી તરફ આ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ વચ્ચે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ઈરાને યુદ્ધવિરામની યોજનાને ફગાવી દીધી છે અને અમેરિકા સામે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ જીઓ-પોલિટિકલ કટોકટીની સૌથી વધુ અસર હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર પડી રહી છે, જે વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્ત્વની છે.
– વિશ્વના કુલ તેલ પરિવહનનો લગભગ પાંચમો ભાગ (20%) આ જળમાર્ગ દ્વારા પસાર થાય છે.
– 28 ફેબ્રુઆરીના રોજ સંઘર્ષ શરૂ થયો ત્યારથી આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સતત અવરોધાયેલો છે.
– આ જ ગતિરોધને કારણે ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલના ભાવમાં અંદાજે 90 ટકાનો વધારો થયો છે, જે સરેરાશ100 ડૉલરની આસપાસ જળવાયેલી છે.






Leave a comment