ટ્રમ્પની ઈરાનને સૌથી મોટી ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અંતિમ ચેતવણી (અલ્ટીમેટમ) આપતા જણાવ્યું છે કે જો ઈરાન નિર્ધારિત સમયમર્યાદામાં હોર્મુઝની ખાડી ફરીથી નહીં ખોલે, તો ઈરાન પર એવો વિનાશક હુમલો કરવામાં આવશે કે ત્યાંની “આખી સભ્યતા મટી જશે.” ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની આક્રમક શૈલીમાં લખ્યું કે, “આજે રાત્રે એક આખી સભ્યતાનો અંત આવી શકે છે, જે ક્યારેય પાછી નહીં ફરે.”

ડેડલાઈન પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સૌથી મોટી ધમકી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, “એક આખી સભ્યતા આજે રાત્રે ખતમ થઈ જશે, જે ક્યારેય પાછી નહીં લાવી શકાય. હું નથી ઇચ્છતો કે એવું થાય, પણ કદાચ એવું જ થશે. જોકે, હવે જ્યારે આપણી પાસે સંપૂર્ણ શાસન પરિવર્તન છે, જ્યાં અલગ, વધુ સમજદાર અને ઓછા કટ્ટરપંથી મન પ્રબળ છે, તો કદાચ કંઈક ક્રાંતિકારી અને અદ્ભુત બની શકે છે, કોણ જાણે? વિશ્વના લાંબા અને જટિલ ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંની એક એવી આ રાત્રે આપણને ખબર પડી જશે. 47 વર્ષની જબરદસ્તી વસૂલાત, ભ્રષ્ટાચાર અને મૃત્યુનો આખરે અંત આવશે. ઈરાનના મહાન લોકો પર ઈશ્વરની કૃપા બની રહે!”

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી એ વૈશ્વિક તેલ વેપાર માટે જીવનરેખા સમાન છે અને ઈરાન તેનો ઉપયોગ હથિયાર તરીકે કરી શકે નહીં. તેમણે અગાઉ પણ સૂચન આપ્યું હતું કે જો ઈરાન શરતો નહીં માને, તો અમેરિકા ઈરાનના ઓઇલના કુવાઓ અને ઉર્જા ક્ષેત્રો પર કબજો કરી લેશે. ઈરાનનું ઓઇલ હવે માત્ર કબજે કરવા માટે જ છે અને ઈરાની સરકાર તેને બચાવવા માટે કંઈ કરી શકશે નહીં. આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 110 ડોલરને પાર કરી ગયા છે.

અમેરિકન પ્રમુખે મંગળવાર રાત સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા તેમના પાવર પ્લાન્ટ્સ અને મહત્ત્વના પુલોને નિશાન બનાવશે. ટ્રમ્પે આ દિવસને ‘પાવર પ્લાન્ટ ડે’ અને ‘બ્રિજ ડે’ તરીકે ઓળખાવ્યો છે. તેમણે કહ્યું કે ઈરાને હોર્મુઝની ખાડી તરત જ ખોલી દેવી જોઈએ, અન્યથા તેઓ નરક જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર થશે.

Leave a comment

Trending