પ્રવાસી મજૂરોને સરળતાથી મળશે 5 કિલોનો ગેસ સિલિન્ડર

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 5KG વાળા ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડરોની દૈનિક મર્યાદાનો ક્વોટા બમણો કરી દીધો છે. વધેલો ક્વોટા ખાસ કરીને પ્રવાસી મજૂરો માટે અનામત રહેશે.

સરકારે 2-3 માર્ચના સરેરાશ વેચાણના આધારે 5KG વાળા LPG સિલિન્ડરનો વધારાનો પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે, જે અગાઉથી નિર્ધારિત 20% ની મર્યાદાથી અલગ હશે.

અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે LPG નો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે. તેથી પ્રવાસી મજૂરો અને ઓછી આવક ધરાવતા વર્ગને રાહત આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે એક દિવસ પહેલા જ 5Kg વાળા LPG સિલિન્ડરના વેચાણના નિયમોને સરળ બનાવ્યા છે. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એડ્રેસ પ્રૂફ વગર નાનો ગેસ સિલિન્ડર ખરીદી શકશે. આ સિલિન્ડર ખરીદવા માટે કોઈ સિક્યોરિટી રકમ જમા કરાવવાની જરૂર પણ નહીં પડે.

પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર, આ પગલું પ્રવાસી મજૂરો અને એવા લોકો માટે લેવામાં આવ્યું છે, જેમની પાસે શહેરમાં કોઈ કાયમી સરનામું નથી. હવે ગ્રાહકોને ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ફક્ત પોતાની કોઈ પણ એક ફોટો-ID બતાવવી પડશે અને તેઓ તરત જ સિલિન્ડર લઈ શકશે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 5 કિલો વાળા સિલિન્ડર માટે હવે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. ગ્રાહકો આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી જેવા ડોક્યુમેન્ટ બતાવીને સિલિન્ડર લઈ શકે છે. તમે વર્ષમાં જેટલી વાર ઈચ્છો, તેટલી વાર તેને રિફિલ કરાવી શકો છો.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એનર્જી લોજિસ્ટિક્સ પર અસર પડી છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નાના સિલિન્ડરોની ઉપલબ્ધતા વધારવાનો પણ નિર્ણય કર્યો છે.

સરકારી આંકડાઓ અનુસાર, 23 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 6.6 લાખ નાના સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે. 4 એપ્રિલે જ 90,000 યુનિટ્સનું વેચાણ થયું. અધિકારીઓનું કહેવું છે કે ડિસ્ટ્રિબ્યુશન પોઈન્ટ્સ પર સ્ટોકની કોઈ કમી નથી.

કામકાજ માટે અન્ય શહેરોમાં રહેતા લોકોની મદદ કરવા માટે સરકારે HPCL ના પસંદગીના આઉટલેટ્સ પર 11 વિશેષ હેલ્પ ડેસ્ક બનાવ્યા છે. આ ડેસ્ક ગ્રાહકોને નજીકના ડિસ્ટ્રીબ્યુટરની માહિતી આપશે અને તેમને કોઈપણ મુશ્કેલી વિના સિલિન્ડર મેળવવામાં મદદ કરશે.

ઘરેલું ગેસની માગ પણ રેકોર્ડ સ્તરે છે; એક જ દિવસમાં 51 લાખથી વધુ ડોમેસ્ટિક સિલિન્ડરોની ડિલિવરી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે કુલ માંગનો 95% હિસ્સો હવે ઓનલાઈન બુકિંગ દ્વારા આવી રહ્યો છે.

સપ્લાયની અછતનો લાભ ઉઠાવીને નફાખોરી કરનારાઓ પર સરકાર કડક છે.

માર્ચથી અત્યાર સુધી સંગ્રહખોરી વિરોધી અભિયાન હેઠળ 50,000થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.

નિયમોના ઉલ્લંઘન બદલ 1,400થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી છે.

36 ગેસ ડીલરશીપને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે ઘરેલું સપ્લાયમાં અવરોધ ઉભો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

રસોઈ ગેસની કટોકટી ટાળવા માટે સરકારે પ્રાથમિકતાઓ નક્કી કરી છે. ઘરેલું ગ્રાહકો, હોસ્પિટલો અને શાળાઓ જેવી આવશ્યક સંસ્થાઓને સંપૂર્ણ સપ્લાય આપવામાં આવી રહી છે.

આ માટે કોમર્શિયલ એલપીજીનો પુરવઠો ઘટાડીને કટોકટી પહેલાના સ્તરના 70% કરી દેવામાં આવ્યો છે. જ્યારે, ખાતર પ્લાન્ટ્સ માટે રાહતના સમાચાર છે; 6 એપ્રિલથી તેમને 90% ગેસ સપ્લાય મળવાનું શરૂ થઈ જશે.

હંમેશા અધિકૃત ગેસ એજન્સી પાસેથી જ સિલિન્ડર લો. એડ્રેસ પ્રૂફ વગરનો આ સિલિન્ડર ‘ફ્રી ટ્રેડ માર્કેટ’નો ભાગ છે, તેથી તેની કિંમત સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં અલગ હોઈ શકે છે. સિલિન્ડર લેતી વખતે તેની એક્સપાયરી ડેટ ચોક્કસ તપાસો.

Leave a comment

Trending