દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાન માલને નુકશાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના 2019 ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકશાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવી, સુપ્રિમકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી એન.રેની બેન્ચ સમક્ષ સુનવણી ચાલી રહી છે. જેમાં આજે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે વર્તમાન પોલીસ ભરતી ફેઝ 01 સીધી ભરતી પ્રક્રિયામાં PSI ભરતીની 50 હજાર જવાબવહી તપાસાઈ રહી છે, જેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર મહિના જાહેર થશે. હાઇકોર્ટે સરકારી વકીલને સૂચન કર્યું હતું કે સમાન હોદા અલગ અલગ ભરતી કરવાની જગ્યાએ એક સાથે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવે. જેથી સમય બગડે નહીં અને પોસ્ટ જલ્દી ભરાય.
આગામી સમયમાં કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ભરતીમાં આ પ્રકારે પરીક્ષા યોજાઈ શકે છે. જેલ સિપાહી માટે કેટલીક લાયકાત અલગ હોય છે. પરંતુ પરીક્ષામાં પ્રેફરન્સ આપીને કોમન ભરતી યોજી શકાય છે. આ સાથે જ આગામી સમયમાં બીજા ફેઝની ભરતી પ્રક્રિયા શરૂ કરવા જાહેરાત બહાર પાડવામાં આવશે. કોર્ટ મિત્રે કહ્યું હતું કે વર્તમાન ભરતી પ્રક્રિયામાં PSI અને કોન્સ્ટેબલની ભરતી સાથે કરવામાં આવી હતી. જેમાં કોન્સ્ટેબલનું સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર પાડ્યું છે. જ્યારે PSIનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવશે.
કોર્ટે કહ્યું હતું કે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બહાર પાડો, પછી નીચી પોસ્ટનું બહાર પાડો. કારણ કે નીચી પોસ્ટમાં સિલેક્ટ થયા બાદ જો ઉમેદવાર ઊંચી પોસ્ટમાં પણ સિલેક્ટ થાય તો નીચી પોસ્ટમાં જગ્યાઓ ખાલી પડે છે. પરંતુ પહેલા જ ઊંચી પોસ્ટમાં સિલેક્ટ ન થયાનું ખબર પડે તો આજના જમાનામાં રોજગારી બધાને જોઈતી હોવાથી તેઓ નોકરી જતી કરતા નથી. વર્તમાન ભરતીમાં કોન્સ્ટેબલની 10 હજાર અને PSIની 485 જગ્યાઓ છે.
સરકારી વકીલે પોલીસ વિભાગમાં પ્રમોશનલ ભરતી અંગે જણાવ્યું હતું હાઇકોર્ટની સુનાવણી દરમિયાન પોલીસ વિભાગમાં શરૂઆતમાં પ્રમોશનલ ભરતીમાં 10 હજાર જગ્યાઓ ખાલી હતી, પરંતુ હાઈકોર્ટના નિર્દેશોથી પ્રમોશનલ ભરતી પ્રક્રિયા ઝડપી કરાતા 10 ઓક્ટોબરે, 1297 પ્રમોશનલ જગ્યા ખાલી છે. છેલ્લા 90 દિવસમાં 3168 જગ્યાઓ પ્રમોશનથી ભરાઈ છે. પોલીસ વિભાગમાં ભરતી વર્ષ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થાય છે. અત્યારે વર્ષ 2024-25 ની ભરતી ચાલી રહી છે. હાઇકોર્ટે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું હતું. આ અંગે વધુ સુનાવણી 12 ડિસેમ્બરે યોજાશે.






Leave a comment