વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે 5મે વહેલી સવારે ન્હાવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિના ડૂબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને તેને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુત તરીકે થઈ છે. બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે. કોટના બીચ પર ન્હાવા માટે નવ વ્યક્તિઓનું જૂથ પહોંચ્યું હતું. ત્યાં અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં બે વ્યક્તિઓના જીવ ગયા છે જ્યારે અન્ય સાત વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. નવ પૈકી કેટલાકને તરતાં આવડતું હતું, તેથી તેઓએ એકબીજાને પણ બચાવ્યા હતાં.
ઘટનાના સમાચાર મળતાં જ બીચ પર અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થયાની સાથે વડીવાડી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોની લાશોને બહાર કાઢી હતી. મૃતદેહોને નંદેસરી પોલીસને સોંપવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ક્રિષ્ના વિજય રાજપુત અને કારેલીબાગ વિસ્તારના જય સુબોધ જોગલેકરનું ડૂબી જવાથી અકાળે મોત થયું છે. મૃતકો પૈકી એક યુવક જય જોગલેકર ભાજપ કાર્યકરનો પુત્ર હોવાથી આ દુઃખદ ઘટનાની જાણ થતા જ વોર્ડ નં.7ના કોર્પોરેટર અને દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ કરુણ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગે દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે , કેટલાક યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા, તેમાંથી કેટલાક યુવાનોને તળતા નહોતું આવડતું તેમાંથી બે યુવાનોનું મોત નીપજ્યું છે. આ દુઃખદ ઘટના છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને બીચ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ આ રીતની દુર્ઘટનાઓ સર્જાયેલ છે. હાલમાં ગરમીનો માહોલ હોવાથી લોકો અહીંયા ન્હાવા માટે જતા હોય છે.
2 મે, 2026ના રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા-પુત્રો સહિત ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા હતાં. જ્યારે એક ગુમ વ્યક્તિની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા ચારેય લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા.
આ સમયે રોહિત નામનો યુવાન મોઢુ ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતા અન્ય ત્રણ લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ લાશ બહાર કાઢી હતી.





Leave a comment