હવે ફ્રી નહીં રહે હોર્મુઝ સ્ટ્રેટ, અમેરિકા સાથેની ડીલ પહેલા જ ઈરાને કરી જાહેરાત

100 દિવસ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે એક મોટો શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. જેના પર ટૂંક સમયમાં એટલે કે સંભવિત 19 જૂને જિનીવામાં હસ્તાક્ષર થશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ આ સમગ્ર બાબત પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે આ કરારમાં શું-શું છે, ઈરાનની શું શરતો છે, અને અમેરિકાને શું આપવું પડશે. સાથે જ અમેરિકા ઉપરાષ્ટ્ર પ્રમુખ વેન્સે પણ પોતાની વાત રાખી.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈના જણાવ્યા મુજબ આ MOU ઈરાની લોકોની ‘ઐતિહાસિક હિંમત’નું પરિણામ છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકા અને ઈઝરાયલનું વલણ યોગ્ય રહ્યું નથી, પરંતુ ઈરાને પોતાની જમીન છોડી નથી. હવે બંને દેશો એક લેખિત કરાર પર આવ્યા છે.

ઈસ્માઈલ બકાઈએ સ્પષ્ટ કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલે જે ’12 દિવસનું યુદ્ધ’ લડયું, તેના ગુના ઈરાન ભૂલશે નહીં. આ વાત તેમણે એટલા માટે કહી કારણ કે કેટલાક લોકો વિચારી રહ્યા હતા કે કરાર પછી બધું માફ થઈ જશે. ઈસ્માઈલ બકાઈએ કહ્યું – ના, શહીદોનો બદલો લેવો એ ઈરાનની કાયમી નીતિ છે, તેને કોઈ બદલી શકે નહીં.

બકાઈએ IAEA અને તેના બોર્ડ ઓફ ગવર્નર્સની તીખી આલોચના કરી. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ અમેરિકા અને ઈઝરાયલની આક્રમકતાની નિંદા ન કરી, જે તેમના માટે શરમની વાત છે. આ સંસ્થાઓ આ પરીક્ષામાં નિષ્ફળ ગઈ.

એક પત્રકારે પૂછ્યું કે શું ઈઝરાયલનું લેબનાનમાંથી નીકળવું પણ આ કરારમાં લખેલું છે કે માત્ર યુદ્ધવિરામ છે. બાકેઈએ જવાબ આપ્યો કે MOUમાં ‘લેબનાન’ શબ્દ ત્રણ વખત આવે છે. આમાં લેબનાનની સંપ્રભુતાનું સન્માન, તેની જમીની અખંડિતતા અને યુદ્ધ બંધ કરવાની વાત સામેલ છે. એટલે કે આ માત્ર યુદ્ધવિરામ નથી, પરંતુ સંપૂર્ણ રીતે યુદ્ધ ખતમ કરવાની વાત છે.

બકાઈએ જણાવ્યું કે કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા ઈરાની અધિકારીઓ પડોશી અને ક્ષેત્રીય દેશોની મુલાકાત લેશે. આ મુલાકાતોની પૂરી માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સાથે જ હસ્તાક્ષરની રીત અને પ્રક્રિયા એટલે કે કોણ સાઈન કરશે, ક્યાં થશે? તે બધું એક-બે દિવસમાં નક્કી થઈ જશે અને સત્તાવાર રીતે જણાવવામાં આવશે.

આ કરારનો સૌથી મહત્વનો હિસ્સો છે. બકાઈએ જણાવ્યું કે અમેરિકા દ્વારા ઈરાનના જે પૈસા વિદેશમાં રોકવામાં આવ્યા છે, તે પાછા કરવા પડશે. નુકસાનનું વળતર આપવું પડશે. તમામ આર્થિક પાબંદીઓ હટાવવી પડશે. ઈરાન કોઈ રોકટોક વગર પોતાનું ક્રૂડ વેચી શકશે.

આ કરારનું એક મોટું અને નવું પાસું છે. હોર્મુઝની ખાડી દુનિયાના ક્રૂડના અગ્રણી માર્ગોમાંથી એક છે. અહીંથી દરરોજ લાખો બેરલ તેલ પસાર થાય છે. હવે ઈરાને કહ્યું છે કે હોર્મુઝની ખાડીમાંથી જે જહાજો પસાર થશે, તેમની પાસેથી નેવિગેશન (રસ્તો બતાવવો), વીમો અને પર્યાવરણ સુરક્ષા જેવી સેવાઓના બદલામાં ફી લેવામાં આવશે. આ કામ ઈરાન કરશે કારણ કે તે આ ખાડીનો દરિયાકાંઠાનો દેશ છે.

બાકેઈએ સ્પષ્ટ કર્યું – આ ટોલ નથી, પરંતુ સેવાઓના બદલામાં શુલ્ક છે. એક ખાસ મુદ્દો એ પણ છે કે એક નક્કી સમય સુધી ખાડીમાંથી પસાર થવું એ વાત પર નિર્ભર કરશે કે બીજો પક્ષ એટલે કે અમેરિકા અને ઈઝરાયલ કેવું વર્તન કરે છે.

MOUમાં પરમાણુ મુદ્દાની ઝીણવટભરી વિગતો નથી. બસ એટલું નક્કી થયું છે કે કરાર પર હસ્તાક્ષર થયાના 60 દિવસની અંદર ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ મુદ્દા અને પાબંદીઓ હટાવવા પર અલગથી વાતચીત થશે. એટલે કે આ MOU એક શરૂઆત છે, અસલી વાતચીત હજુ થવાની બાકી છે.

ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે જણાવ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ‘બે-તબક્કાની તપાસ પ્રક્રિયા’ થશે. હોર્મુઝની ખાડી લાંબા સમય સુધી ટોલ વગર ખુલ્લી રહે, તેવું અમેરિકા ઈચ્છે છે. હજી ઘણી વાતો નક્કી થવાની બાકી છે. હસ્તાક્ષરની વિધિમાં ઈરાનના સ્પીકર ઓફ હાઉસ, વિદેશ મંત્રી અને બીજા મોટા નેતાઓ સામેલ થશે. ઈઝરાયલને લઈને વેન્સે કહ્યું કે ઈઝરાયલમાં કેટલાક લોકો આ કરારને પસંદ કરે છે. નવા મિડલ ઈસ્ટમાં ઈઝરાયલની પણ જગ્યા હશે. આ અઠવાડિયે કરારનો સંપૂર્ણ ટેક્સ્ટ જાહેર થવાની આશા છે.

Leave a comment

Trending