ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં ફરી એકવાર ભંગાણ પડી શકે છે. એવી માહિતી મળી રહી છે કે શિવસેના(UBT)ના 6કે 7 સાંસદો પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. બીજી તરફ હવે આ રાજકીય ઘટનાક્રમોને જોતા વરિષ્ઠ નેતા શરદ પવાર ઍલર્ટ મોડ પર આવી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(SP)એ આગામી દિવસોમાં સાંસદોની બેઠક બોલાવી છે. જોકે, આ અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી.
મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે વરિષ્ઠ પવારની આગેવાની હેઠળના રાકંપા(NCP) જૂથની બેઠક આગામી એક-બે દિવસમાં થઈ શકે છે. મહારાષ્ટ્રની રાજકીય હલચલને જોતાં આ પગલું ભરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે પાર્ટી તરફથી સત્તાવાર રીતે હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું.
વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NCP(SP)એ 9 બેઠકો પોતાના નામે કરી હતી. બીજી તરફ સુનેત્રા પવારની પાર્ટીને માત્ર 1 બેઠક મળી હતી. ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં NCP(SP) ખાસ પ્રદર્શન નહોતી કરી શકી અને તેના માત્ર 10 ધારાસભ્યો જ ચૂંટાયા હતા. આનાથી વિપરીત NCPના 41 ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી.
ખાસ વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની જેમ અગાઉ NCP પણ ભંગાણનો સામનો કરી ચૂકી છે. શરદ પવારના ભત્રીજા દિવંગત અજિત પવારની આગેવાનીમાં જુલાઈ 2023માં અનેક ધારાસભ્યોએ અલગ રાહ પકડી હતી. ત્યારબાદ અજિત જૂથને મુખ્ય NCP તરીકે માન્યતા મળી હતી અને ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન પણ મળ્યું હતું.
જ્યારે શરદ પવારની NCPને નામ બદલવું પડ્યું હતું અને તેમનું ચૂંટણી ચિહ્ન ‘તુતારી’ રાખવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે થોડા સમય પહેલા સુધી એવી અટકળો ચાલી રહી હતી કે NCPના બંને જૂથો ફરી એક થઈ શકે છે, પરંતુ અજિત પવારના નિધન બાદ આ અટકળો પર પણ વિરામ મૂકાઈ ગયું છે. તાજેતરમાં એવી પણ ચર્ચાઓ હતી કે, શરદ પવાર NCPનો કોંગ્રેસમાં વિલય કરાવવાનો પ્રસ્તાવ આપી રહ્યા છે, પરંતુ તેમણે આ વાતનો ઇન્કાર કરી દીધો હતો.
પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ શનિવારે કહ્યું હતું કે ‘તેમની પાર્ટી કે કોંગ્રેસ તરફથી આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. ન તો કોઈએ અમારો સંપર્ક કર્યો છે અને ન તો અમને કોઈ પ્રસ્તાવ આપ્યો છે. તેવી જ રીતે અમે પણ કોઈનો સંપર્ક કર્યો નથી કે કોઈને કોઈ પ્રસ્તાવ પણ આપ્યો નથી.’
સુપ્રિયા સુલેએ આ અંગે પૂછવામાં આવેલા સવાલ પર કહ્યું હતું કે, મને, પાર્ટી પ્રમુખ શરદ પવારને કે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ જયંત પાટીલ અને શશિકાંત શિંદેને આવા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી.






Leave a comment