ચોમાસાને મુંબઈ પહોંચતા હજુ 8 દિવસ લાગશે, ગુજરાત માટે ચિંતાનો વિષય

ગુજરાત સહિત દેશભરના ધરતીપુત્રો જેની રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આંકડા જાહેર કર્યા છે. પશ્ચિમના દરિયાકાંઠે 8 જૂનથી જ નૈઋત્યનું ચોમાસું સ્લો-મોશનમાં આવી ગયું છે. બંગાળની ખાડીમાં કોઈ મજબૂત ડિપ્રેશન(વરસાદી સિસ્ટમ) ન સક્રિય થવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે, જેને લીધે ચાલુ વર્ષે વરસાદ માટે હજુ વધુ થોડા દિવસો રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા છ દિવસથી ચોમાસું તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં સ્થિર થઈ ગયું છે. આગામી એક સપ્તાહ સુધી નવી કોઈ મજબૂત સિસ્ટમ બને તેવા સંકેતો નથી. આ ધીમી ગતિના કારણે મુંબઈ સુધી ચોમાસું પહોંચતા હજુ 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આગામી 4થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ચોમાસું ધીમે-ધીમે આગળ વધે તેવી સાનુકૂળ શક્યતાઓ સેવાઈ રહી છે. ચોમાસાની આ ધીમી ચાલના કારણે દેશના 723 જિલ્લાઓમાંથી અત્યાર સુધી માત્ર 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે.

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ સુધી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવામાં હજુ સમય લાગી શકે છે. હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, પરંતુ તેના કારણે ગરમીમાં રાહત મળવાને બદલે અસહ્ય ઉકળાટ વધી ગયો છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ચોમાસું ભલે મોડું હોય, પરંતુ સ્થાનીય સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં આજથી બે દિવસ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

દક્ષિણ ગુજરાત: સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સિસ્ટમ સક્રિય થતાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે.

બીજી તરફ, આવતીકાલથી દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને મેદાની ભાગોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આશંકા છે. આ ઉપરાંત પાકિસ્તાન અને રાજસ્થાન સરહદ પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનો દાવો પણ કરાયો છે.

Leave a comment

Trending