– કચ્છના વતની ડો.હિરાણીનો તબીબી, વહીવટી અને સેવા ક્ષેત્રનો બહોળો અનુભવ કચ્છ માટે આશીર્વાદરૂપ બનશે
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર તરીકે અત્રેના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીની નિમણૂક કરવામાં આવતા તેમણે આ નવી જગ્યાનો અખત્યાર સાંભળી લીધો છે. અત્યાર સુધી ડાયરેક્ટર તરીકે સેવા આપતા ડો.બાલાજી પિલ્લાઈનો કાર્યકાળ પૂર્ણ થતા ડો.હિરાણીને સંચાલન સોંપવામાં આવ્યું છે.
જી.કે.જનરલ હોસ્પિટલ સાથે છેલ્લા બે દાયકાથી જુદો જુદો હવાલો સાંભળતા ડો.હિરાણી કચ્છના જ વતની છે. અત્રે ENT સર્જન તરીકે કારકિર્દી શરૂ કરી, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, પ્રોફેસર ઉપરાંત વહીવટી ક્ષેત્રે એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે બે દાયકાથી વધુ બહોળો વહીવટી અનુભવ ધરાવે છે. કારકિર્દીના પ્રારંભેથી જ જી.કે. સાથે જોડાયેલા હોવાથી સંસ્થા અને કચ્છના દર્દીઓ માટે તેમની નિમણૂંક આશીર્વાદરૂપ બનશે.
તેમણે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી MBBS અને ત્યારબાદ ENTનો માસ્ટર અભ્યાસક્રમ કરી, ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે. બી.જે. મેડિકલ કોલેજમાંથી અભ્યાસ સંપન્ન કરી સીધા ભૂકંપ પીડિતોની સેવામાં જોતરાઇ ગયા. આ ઉપરાંત કોરોનાકાળ, ઓપરેશન સિંદૂર, સ્વાઈન ફ્લુ, ચક્રવાત જેવી કુદરતી આફતમાં સતત કચ્છીજનોની પડખે રહી સેવા કરી છે.
ડો. હિરાણીએ તબીબ તરીકેની કારકિર્દી દરમિયાન ENT સર્જનની રૂએ હજારોની સંખ્યામાં કાન, નાક અને ગળાના ઓપરેશન કર્યા છે. સાથે સાથે જડબાં અને મોઢાના ફ્રેકચર્સ, દૂરબીન વડે મગજના ઓપરેશન અને મોઢાની પ્લાસ્ટિક સર્જરી કરવાની કચ્છમાં પહેલ પણ તેમણે કરી હતી. આમ તબીબી અને વહીવટી કુશળતાને ધ્યાનમાં લઈ આ નિમણૂક બદલ તેમને રાજ્ય અને કચ્છભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. તેઓ ભુજમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના અને રાજ્ય સ્તરે Ent એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.





Leave a comment