MBBS અને BDS માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ

રાજ્યમાં ધોરણ-12 સાયન્સ પછી મેડિકલ (MBBS) અને ડેન્ટલ (BDS) કોર્સીસમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રથમ વર્ષની બેઠકો પર પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઓનલાઈન PIN ખરીદી, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા આતુર વિદ્યાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ઓનલાઈન PIN ની ખરીદી કરી શકશે તેમજ પ્રવેશ સમિતિની પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશન બાદ 3 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં નિયત કરાયેલા હેલ્પ સેન્ટરો પર દસ્તાવેજોની ચકાસણી (Document Verification) અને પ્રમાણિત નકલ જમા કરાવવાની રહેશે. પ્રવેશ સમિતિએ તમામ ઉમેદવારોને સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી છે.

આ વર્ષે રાજ્યની કુલ 54 કોલેજોની 8755 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે:

  • MBBS: 41 મેડિકલ કોલેજોમાં કુલ 7500 બેઠકો
  • BDS: 13 ડેન્ટલ કોલેજોમાં કુલ 1255 બેઠકો

ઓનલાઈન PIN મેળવવા માટે વિદ્યાર્થીઓએ ₹1000 (નોન-રિફંડેબલ) અને ₹10,000 (રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ) એમ મળીને કુલ ₹11,000 ચૂકવવાના રહેશે. રજિસ્ટ્રેશન બાદ હેલ્પ સેન્ટર પર જતાં પહેલાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર સહિત રાજ્યભરમાં કુલ 28 હેલ્પ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે.

  • લોકલ ક્વોટા: અમદાવાદની ‘શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ’ અથવા સુરતની ‘સ્મીમેર (SMIMER)’ કોલેજના લોકલ ક્વોટામાં અરજી કરવા માગતા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન સાથે સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્ર સંબંધિત કોલેજના ડીન પાસેથી મેળવવું પડશે.
  • દિવ્યાંગ (PwD) કેટેગરી: દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોએ નિર્ધારિત સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત રહીને પોતાના પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે.

Leave a comment

Trending