સરહદી વિસ્તારોમાં કચ્છ યુનિ.ના એક્સટેન્શન સેન્ટરોમાં 3 વર્ષમાં 915 છાત્રોનો પ્રવેશ

વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા કચ્છ જિલ્લામાં તાલુકા મથકો વચ્ચે સરેરાશ 60 થી 70 કિલોમીટરનું અંતર છે.

જિલ્લામાં વિશાળ અંતર અને સામાજીક રૂઢીઓ તેમજ ટ્રાન્સપોર્ટેશનની પૂરતી સગવડ ન હોવાથી અંતરિયાળ અને છેવાડાના ગામડાઓની કેટલીક દીકરીઓ ધોરણ-12 પછી ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જતી હતી.

આ સમસ્યાના ઉકેલ માટે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા જ્યાં 30 થી 40 કિમીની ત્રિજ્યામાં કોઈ કોલેજ ન હોય તેવા વિસ્તારોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરાયા છે, જે સરહદી વિસ્તારો માટે આશાનું કિરણ બન્યા છે.

છેલ્લા 3 વર્ષમાં આ સેન્ટરોમાં 915 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને સ્થાનિકે ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કર્યા છે જેમાં મહત્તમ દીકરીઓ તેમજ ચાલુ વર્ષે પરિણીતાઓએ પણ બીએના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા છે.

ભવિષ્યમાં આ શિક્ષિત યુવાઓ પોતાના ગામમાં શિક્ષકોની અછત દૂર કરી શિક્ષણની ક્રાંતિ લાવશે તેવો આશાવાદ છે.

દૂરના અંતર અને સામાજિક રૂઢિચુસ્તતાને કારણે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલવામાં આવતી ન હતી. પરંતુ ઘરઆંગણે સેન્ટર શરૂ થતાં ગ્રામીણ વિસ્તારોમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ઊંચો આવ્યો છે.

સૌથી પ્રેરણાદાયક બાબત એ છે કે, ચાલુ વર્ષે નેત્રા જેવા ગામોમાં સાસરે આવેલી પુત્રવધૂઓ અને એક-બે બાળકની માતાઓએ પણ પોતાના અધૂરા રહેલા ઉચ્ચ શિક્ષણના સપના પૂરા કરવા પ્રવેશ મેળવ્યો છે.

દૂરના અંતર અને સામાજિક રૂઢિચુસ્તતાને કારણે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર મોકલવામાં આવતી ન હતી. પરંતુ ઘરઆંગણે સેન્ટર શરૂ થતાં ગ્રામીણ વિસ્તારોમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ઊંચો આવ્યો છે.

સૌથી પ્રેરણાદાયક બાબત એ છે કે, ચાલુ વર્ષે નેત્રા જેવા ગામોમાં સાસરે આવેલી પુત્રવધૂઓ અને એક-બે બાળકની માતાઓએ પણ પોતાના અધૂરા રહેલા ઉચ્ચ શિક્ષણના સપના પૂરા કરવા પ્રવેશ મેળવ્યો છે.

કચ્છ યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટરના કો-ઓર્ડીનેટર ડો. રામ સોંદરવાએ જણાવ્યું કે, પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ મારફતે ચાલી રહી છે. ધોરણ-12 પાસ કોઈ પણ ઉંમરની મહિલાઓ, દીકરીઓ અને વિદ્યાર્થીઓ 10મી ઓગસ્ટ સુધી પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે અને 13મી તારીખ સુધીમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે.

કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલે જણાવ્યું કે, દીકરીઓનું શિક્ષણ સમગ્ર સમાજના વિકાસનો પાયો છે.

એક ભણેલી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે એમ જણાવતાં તેમણે કહ્યું કે યુનિવર્સિટીના એક્સ્ટેન્શન સેન્ટરોમાં હાલે કચ્છભરમાં 900થી વધુ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. કોલેજ સુધી ન પહોંચી શકતી છાત્રાઓ માટે ખુદ યુનિવર્સિટી ઘરઆંગણે પહોંચી છે ત્યારે પ્રવેશથી વંચિત ધો.12 પાસ દીકરીઓને સેન્ટરોમાં પ્રવેશ મેળવવા અપીલ કરી હતી.

વાગડના આડેસર સેન્ટરમાં પહેલા વર્ષે 25, બીજા વર્ષે 118 અને ચાલુ ત્રીજા વર્ષે 127 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, જેમાં દીકરીઓની સંખ્યા સૌથી વધુ છે. જે વિદ્યાર્થીઓને અગાઉ સાંતલપુર જવું પડતું હતું તેમને ઘરઆંગણે મોટી રાહત મળી છે.

શરૂઆતમાં આ એક્સટેન્શન સેન્ટરો માત્ર શનિ-રવિવાર પૂરતા ચાલતા હતા. પરંતુ સીએસઆર ફંડ અને દાતાઓના સહયોગ તેમજ વિદ્યાર્થીઓના જબરદસ્ત પ્રતિસાદને કારણે હવે આ સેન્ટરો અઠવાડિયાના સાતેય દિવસ રેગ્યુલર કોલેજની જેમ ચાલે છે.

અહીં વિઝિટિંગ ફેકલ્ટી દ્વારા નિયમિત અભ્યાસ, યુનિવર્સિટી કક્ષાની પરીક્ષાઓ અને અન્ય તમામ કોલેજ એક્ટિવિટી કરાવાય છે. એક્સટેન્શન સેન્ટરની સફળતાનું ઉદાહરણ ગઢશીશા છે અહીં પ્રતિસાદ બાદ સરકારી આર્ટસ, સાયન્સ અને કોમર્સ કોલેજ મંજૂર થઈ છે.

જેથી ગઢશીશામાં નવા એડમિશન કોલેજમાં થાય છે, જ્યારે એક્સટેન્શન સેન્ટરની જૂની બેચ રાબેતા મુજબ ચાલુ છે. ભવિષ્યમાં આડેસરમાં પણ સરકારી કોલેજ મંજૂર થવાની શક્યતા છે. હાલમાં સેન્ટરો જે તે ગામની શાળામાં ચાલે છે.

Leave a comment

Trending