ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદના નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે નિકોલ પોલીસે દરોડા પાડીને એક શખસની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર ફરાર થઈ ગયો છે. સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર મિક્સને નકલી સ્ટીકર લગાવીને ગ્રાહકોને મોંઘી બ્રાન્ડના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી.
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે 20/08/2026 ના રોજ નિકોલ પોલીસે વોચ ગોઠવી હતી. રાત્રે નિકોલ સ્થિત અટલ આવાસ યોજનાના મકાનની પાછળના ગેટ નજીક એક શંકાસ્પદ વ્યક્તિને સ્કૂટર સાથે આંતરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાનું નામ સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજા (ઉંમર 26, રહેવાસી બ્લોક 13, અટલ આવાસ યોજના) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે સુનિલના સ્કૂટરની ડિક્કી ચેક કરતા અંદરથી મોંઘી બ્લેન્ડેડ દારૂની બોટલ મળી આવી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે તેના ભાગીદાર દિનેશ કુબેરનગર સ્થિત ઘરે પણ તપાસ કરી હતી. ત્યાંથી વિવિધ ફ્લેવર અને કેમિકલ ભરેલી ધાતુની 4 અને પ્લાસ્ટિકની 4 નાની બોટલો તથા એક આધારકાર્ડ મળી આવ્યું હતું. પોલીસે કુલ 6500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5000 રૂપિયાના મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુનિલ અને ફરાર આરોપી દિનેશ છેલ્લા એકાદ વર્ષથી આ ગેરકાયદે ધંધો ચલાવતા હતા. તે ચામુંડા બ્રિજ નીચે આવેલી ભંગારની દુકાનેથી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણા અને લેબલ લાવતા હતા. ત્યારબાદ તેમાં સસ્તો વિદેશી દારૂ, પાણી અને બ્રાન્ડ મુજબની ચોકલેટ કે અન્ય ફ્લેવર મિક્સ કરીને નકલી સીલ મારી દેતા હતા. હાલ પોલીસે સુનિલની ધરપકડ કરી છે અને ફરાર દિનેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે.





Leave a comment