પ્રખ્યાત સોમનાથ મંદિર, ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કોબા, અમદાવાદ શહેરના ખાનપુર અને ભાજપ કાર્યાલય તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. એક અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલના માધ્યમથી આ દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારબાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે.
આ ધમકીભર્યા ઇમેઇલની શરૂઆતમાં અલ્લાહુ અકબર સહિતના વિવિધ ધાર્મિક શબ્દો લખીને ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. ઇમેઇલમાં સોમનાથ મંદિર, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, ભાજપની ખાનપુર ઓફિસ સહિતના સ્થળોને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જુદા જુદા લોકેશન પર અગાઉથી જ બોમ્બ ફિટ કરી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઇમેઇલમાં દેશ વિરોધી સૂત્રો અને વિવિધ આતંકી કનેક્શન દર્શાવતા નારા પણ લખવામાં આવ્યા હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
ધમકીની માહિતી મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્કવોડની ટીમો તાત્કાલિક ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય તેમજ કોબા કાર્યાલય સહિતના સ્થળો પર પહોંચી ગઈ હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શાહપુર પોલીસના જણાવ્યા અનુસાર, કાર્યાલયની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી પરંતુ ક્યારેય કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યો નથી. પ્રાથમિક તપાસમાં આ માત્ર ડર ફેલાવવા માટે મોકલેલો ફેક ઇમેઇલ હોવાનું સામે આવ્યું છે, જેથી નાગરિકોએ ગભરાવવાની કે ડરવાની જરૂર નહી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ કેટલીક શાળાઓ અને અદાલતોને આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. જેમાં ખાલિસ્તાની કનેક્શન સામે આવ્યું હતું. હાલમાં આ ઇમેઇલ મોકલનાર અજાણ્યા શખ્સને શોધવા માટે સાયબર ક્રાઈમ અને પોલીસ વિભાગ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.






Leave a comment