દવાઓ દર્દીના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય દવા, યોગ્ય દર્દીને, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયગાળા માટે આપવામાં આવે ત્યારે દવાઓ રોગની સારવાર અને જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, દરેક દવાની સાથે કેટલીકવાર આડઅસર પણ જોડાયેલી હોવાની શક્યતા હોય છે. દવાની આવી આડઅસરની નોંધણી, વિશ્લેષણ અને નિવારણ માટે દેશમાં ફાર્માકોવિજિલન્સ (દવા સુરક્ષા) સતત પ્રયાસ કરી રહ્યું છે.
અદાણી મેડિકલ કોલેજ ફાર્માકોવિજિલન્સની આ કોશિશને જનસમુદાય સુધી લઈ જવા કોલેજના ફાર્માકોલોજી વિભાગ દ્વારા ૧૭ સપ્ટે.થી ૨૩ સપ્ટે સુધી ફાર્માકોવિજિલન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે.
ફાર્માકોવિજિલન્સ કો -ઓર્ડીનેટર ડૉ.હિરલબેન ગોલકિયાનાં જણાવ્યા અનુસાર,MBBS વિધાર્થીઓ, તબીબો અને આરોગ્ય કર્મીઓ દ્વારા લોકોમાં દવાઓના તર્કસંગત ઉપયોગ અંગે જાગૃતિ લાવવા સાથે તેની આડઅસરની જાણકારી અને રિપોર્ટિંગ માટે પ્રોત્સાહિત કરવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ડિજિટલ પ્લેટફોર્મ અંતર્ગત ઈ – પોસ્ટર નિર્માણ કરી જાગૃતિનો સંદેશ આપવામાં આવશે. જેથી આ ઉજવણી માત્ર એક દિવસ પુરતી ન રહે પણ ડોક્ટર્સ અને દર્દી વચ્ચેનો સેતુ સતત સધાઈ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફાર્માકોવિજિલન્સ એ દવાઓની આડઅસરો અને સુરક્ષાનું વિજ્ઞાન :
ફાર્માકોલોજી એ દવાઓની આડઅસરો અને સુરક્ષા સાથે સંબંધિત વિજ્ઞાન છે. આ પ્રક્રિયા અંતર્ગત ઉપલબ્ધ તમામ દવાઓ, રસીઓ અને તબીબી સાધનોનો દર્દીઓ પર કેવો પ્રભાવ પડે છે તેનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે. દવાઓથી થતા સંભવિત જોખમોને વહેલી તકે ઓળખીને તેનાથી દર્દીઓને બચાવવાનો અને માત્ર સુરક્ષિત તથા ગુણોત્તરયુક્ત દવાઓ ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરવાનો છે.






Leave a comment