અદાણી ફાઉન્ડેશન દ્વારા ભારે વાહનચાલકો માટે માર્ગ સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ અભિયાન

અદાણી સિમેન્ટ, અદાણી ફાઉન્ડેશન અને અદાણી મેડિકલ સેન્ટર, સાંઘીપુરમના સંયુક્ત ઉપક્રમે ભારે વાહનચાલકો માટે માર્ગ સુરક્ષા, આરોગ્ય જાગૃતિ અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 150 થી વધુ ભારે વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ અધિકારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ડ્રાઇવરોમાં સુરક્ષિત ડ્રાઇવિંગ, સ્વાસ્થ્ય જાગૃતિ અને જવાબદાર પરિવહન વ્યવહાર અંગે જાગૃતિ લાવવાનો હતો.

અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડિંગ યુનિટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોનું સન્માન કરીને તેમને સુરક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ માર્ગ સુરક્ષા અને વ્યક્તિગત સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સંબોધતા અદાણી સિમેન્ટ, સાંઘીપુરમના ચીફ પ્લાન્ટ મેનેજર રાજેશ વાઢેરના માર્ગદર્શન હેઠળ વિવિધ અધિકારીઓએ સુરક્ષિત ડ્રાઇવિંગના મહત્વ પર ભાર મૂક્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સફળતા પાછળ ડ્રાઇવરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે અને તેમની સલામતી સમગ્ર સપ્લાય ચેઇનની સલામતી સાથે જોડાયેલી છે.

સેફ્ટી ટીમ દ્વારા ડ્રાઇવરોને ઓવર સ્પીડથી બચવા, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, લાંબી મુસાફરી પૂર્વે પૂરતો આરામ લેવા તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ વાહનની નિયમિત તપાસ અને ઇમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માર્ગ અકસ્માતોના મુખ્ય કારણો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વધુ ઝડપ, મોબાઇલ ફોનનો ઉપયોગ, નશાની હાલતમાં વાહન ચલાવવું તથા લાંબા સમય સુધી સતત ડ્રાઇવિંગ જેવા પરિબળો ગંભીર અકસ્માતો માટે જવાબદાર હોવાનું જણાવાયું હતું. ડ્રાઇવરોને આ જોખમોથી દૂર રહી સુરક્ષિત વાહન વ્યવહાર અપનાવવા અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ચકાસણી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાયાબિટીસ/બ્લડ શુગર, બ્લડ પ્રેશર, વજન, ઊંચાઈ, આંખોની તપાસ સહિત સામાન્ય આરોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મુજબ દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા જાગૃતિના ભાગરૂપે ડ્રાઇવરોને ફર્સ્ટ એડ કીટ, માસ્ક, હાથમોજાં, સુરક્ષા ચશ્માં, હાથ માટેના સુરક્ષા બેલ્ટ તેમજ ‘રોકો-ટોકો’ અભિયાનના કીચેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાસ્તા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતિમ તબક્કામાં ગ્રાઇન્ડિંગ યુનિટના જનરલ મેનેજર (પ્રોડક્શન) વિકાસ સિંહે ડ્રાઇવરો સાથે સંવાદ સાધી સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે ઉપયોગી સૂચનો આપ્યા હતા. તેમણે ખાસ કરીને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલના સાવચેતીપૂર્વકના ઉપયોગ અને માર્ગ સુરક્ષા પ્રત્યે સતત સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન જીપીએસ આધારિત મૂલ્યાંકનના આધારે સલામત ડ્રાઇવિંગ કરનાર પસંદગીના ડ્રાઇવરોને વિશેષ ભેટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલ ઉપસ્થિત તમામ વાહનચાલકો માટે પ્રેરણારૂપ બની હતી.

આ કાર્યક્રમમાં લોજિસ્ટિક વિભાગની ટીમ, અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તથા અદાણી મેડિકલ સેન્ટરના તબીબી સ્ટાફે સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

“સલામત ડ્રાઇવર, સલામત પરિવાર અને સલામત સમાજ”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત અને જવાબદાર પરિવહન સંસ્કૃતિ નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.

Leave a comment

Trending