કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા દેશભરના ઘરેલું LPG ગ્રાહકો માટે e-KYC અંગે નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 1 ઓક્ટોબરથી સબસિડીવાળા સિલિન્ડરનું બુકિંગ ચાલુ રાખવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે e-KYC કરાવવું અત્યંત ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
જો ગ્રાહકો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમને સિલિન્ડર દીઠ મળતી ₹210ની સબસિડીનો લાભ મળશે નહીં. કચ્છ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં કુલ 4.65 લાખ જેટલા એલપીજી કનેક્શન ધારકો નોંધાયેલા છે. જેમાંથી મોટાભાગના યુઝર્સે પોતાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, પરંતુ હજુ પણ કચ્છમાં આશરે 46,500 LPG ધારકોનું e-KYC કરાવવાનું બાકી છે.
જે ગ્રાહકોનું આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થઈ ગયું છે, તેમની રિફિલ બુકિંગ અને સબસિડી કોઈ પણ અડચણ વિના ચાલુ રહેશે. પરંતુ જે ગ્રાહકોનું ઓથેન્ટિકેશન બાકી કે અધૂરું છે, તેઓ e-KYC પ્રક્રિયા પૂર્ણ કરશે ત્યારબાદ જ તેમની સબસિડીવાળી રિફિલ બુકિંગ પ્રોસેસ કરવામાં આવશે.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કડક પગલું નકલી તથા બોગસ કનેક્શનો તાત્કાલિક બંધ કરવા અને સરકારની સબસિડીનો સીધો અને સાચો લાભ માત્ર વાસ્તવિક સામાન્ય ઘરેલું પરિવારો સુધી પહોંચાડવાના હેતુથી લેવામાં આવ્યું છે.
સરકારે જણાવ્યું છે કે જે ગ્રાહકો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવા માંગતા નથી અથવા તે કરાવવામાં અસમર્થ છે, તેમને પણ સિલિન્ડર મળશે, પરંતુ તેમને સબસિડી મળશે નહીં.
આ માટે તેમણે ડિજિટલ ચેનલ, એપ, વોટ્સએપ અથવા IVRS દ્વારા પોતાનો વિકલ્પ પસંદ કરવો પડશે. તેમને બજારભાવ પર 5 કિગ્રા અથવા 10 કિગ્રાના સિલિન્ડર આપવામાં આવશે.
એલપીજી સીલીન્ડર ધરાવતા લોકોને સરળતા રહે તે માટે સરકાર દ્વારા અનેક વખત e-KYCની સમયમર્યાદા વધારવામાં આવી છે.
પ્રથમ આ સમયમર્યાદા 30 જુન 2026 નક્કી કરાઈ હતી, જેને બાદમાં વધારીને 31 જુલાઈ, 7 ઓગસ્ટ, 15 ઓગસ્ટ, 23 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 7 સપ્ટેમ્બર અને છેલ્લે 14 September સુધી લંબાવવામાં આવી હતી. સરકારી આંકડા અનુસાર, સપ્ટેમબર 2026માં 14.2 kg ના સિલિન્ડર પર આશરે ₹210ની સબસિડી આપવામાં આવી રહી છે.





Leave a comment