કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત હજી 10 રાજ્યોમાં વરસાદનું યલો અલર્ટ

કેરળમાં સોમવારે સતત બીજા દિવસે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી અને ત્રિશૂરમાં યલો એલર્ટ જારી કર્યું છે. આ પહેલાં રવિવારે ભારે વરસાદે ઇડુક્કી, મલપ્પુરમ સહિત અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી હતી. લેન્ડસ્લાઇડ, કાદવ ધસારો અને અચાનક આવેલા પૂરની અલગ-અલગ ઘટનાઓમાં 5 લોકોનાં મોત થયાં છે. 2 લોકો લાપતા છે.

બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં વરસાદની અસર હજુ પણ અનેક વિસ્તારોમાં છે. લલિતપુરમાં બેતવા નદીનું પાણી પુલની ઉપરથી વહી રહ્યું છે, જ્યારે સીતાપુરમાં અનેક નાના પુલ ડૂબી ગયા છે. ઉન્નાવની જળમગ્ન વસાહતોમાં હોડી ચાલી રહી છે. બારાબંકીમાં રવિવારે વરસાદના પાણીથી ભરાયેલા ખાડામાં નહાતી વખતે ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત થયાં.

ગુજરાતના ભાવનગર અને રાજકોટમાં રવિવારે લગભગ અડધા કલાકના ભારે વરસાદમાં જ રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું. ભાવનગરના મહુવામાં સાડા 4 ઇંચ અને રાજકોટના ગોંડલમાં સાડા 3 ઇંચ વરસાદ થયો. જૂનાગઢના ગિરનારના જંગલમાં અચાનક પૂર આવ્યું. અહીં આત્મેશ્વર મહાદેવ મંદિરના રસ્તા પર બાળકો અને વૃદ્ધો સહિત 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. વન વિભાગ અને ફાયર બ્રિગેડે સૌને બચાવી લીધા.

બીજી તરફ, રાજસ્થાનમાં ચોમાસાની વિદાય સાથે વરસાદ નબળો પડવા લાગ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ છે અને આગામી 4-5 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. ગરમી વધતાં જેસલમેરમાં રવિવારે તાપમાન 40.3°C પર પહોંચી ગયું.

Leave a comment

Trending