હોસ્પિટલમાં આવતો દરેક દર્દી પોતાની જિંદગી અને સ્વાસ્થ્યનો વિશ્વાસ તબીબી વ્યવસ્થા પર મૂકે છે. આ વિશ્વાસને જાળવવા માટે ગુણવત્તાયુક્ત સારવારની સાથે દર્દીની સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ તબીબો અને સમગ્ર આરોગ્યસેવા ટીમની છે. દર વર્ષે ૧૭મી સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસની ઉજવણી દ્વારા સમગ્ર વિશ્વમાં સલામત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
દર્દી સલામતી એટલે સારવાર દરમિયાન ટાળી શકાય તેવા જોખમો અને અનિચ્છનીય નુકસાનને ઘટાડવા માટે કરવામાં આવતી વ્યવસ્થિત કામગીરી. યોગ્ય દર્દીની ઓળખથી લઈને યોગ્ય દવા, યોગ્ય સારવાર, સુરક્ષિત સર્જરી, ચેપ નિયંત્રણ અને સારવાર બાદની માર્ગદર્શિકા સુધી—આ દરેક તબક્કો દર્દી સલામતી સાથે જોડાયેલો છે.એમ ગેઇમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું.
સારવારમાં સાવચેતી:
દર્દીને યોગ્ય દવા, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે મળે તે માટે અનેક સ્તરે ચકાસણી જરૂરી છે. દર્દીએ પોતાની એલર્જી, અગાઉની બીમારી, હાલમાં લેવાતી દવાઓ અને અગાઉની સારવાર અંગે તબીબી ટીમને સાચી માહિતી આપવી જોઈએ. દવા પોતાની રીતે શરૂ કે બંધ ન કરવી અને તબીબની સલાહ લેવી.
સુરક્ષિત સર્જરી માટે ટીમવર્ક
સર્જરી પહેલાં જરૂરી તપાસ, દર્દી અને પ્રક્રિયાની યોગ્ય ઓળખ તથા સર્જિકલ સેફ્ટી ચેકલિસ્ટનું પાલન મહત્વપૂર્ણ છે. સર્જરી પછી દર્દીની યોગ્ય દેખરેખ, દુખાવાનું નિયંત્રણ, ચેપથી બચાવ અને જરૂરી સૂચનાઓ આપવી પણ સલામત સારવારનો ભાગ છે.
દર્દી અને પરિવારની ભાગીદારી:
દર્દી સલામતીમાં દર્દી અને પરિવારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. સારવાર અંગે પ્રશ્નો પૂછવા, દવાઓ વિશે સમજ મેળવવી, એલર્જીની માહિતી આપવી અને તબીબી સૂચનાઓનું પાલન કરવું સલામત સારવારમાં મોટો ફાળો આપે છે. દર્દીને પોતાની સારવાર સમજવાનો અને જરૂરી પ્રશ્નો પૂછવાનો અધિકાર છે.
અસરકારક અને સ્પષ્ટ સંવાદ
દર્દીની સારવારમાં અનેક તબીબો અને વિભાગો જોડાયેલા હોય ત્યારે તેમની વચ્ચે દર્દીની માહિતીની યોગ્ય આપ-લે ખૂબ મહત્વપૂર્ણ બને છે. દર્દીની સ્થિતિ, દવાઓ, એલર્જી, તપાસના અહેવાલો અને સારવારની યોજના અંગે સ્પષ્ટ સંવાદથી ગેરસમજ અને જોખમ ઘટાડી શકાય છે.
દર્દી સલામતી કોઈ એક દિવસની જવાબદારી નથી, પરંતુ આરોગ્યસેવાના દરેક તબક્કે સતત જાળવવાની પ્રતિબદ્ધતા છે. તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ, હોસ્પિટલ પ્રશાસન, દર્દી અને પરિવાર—સૌની સહભાગિતાથી જ સલામત અને વિશ્વાસપૂર્ણ આરોગ્યસેવાનું નિર્માણ થાય છે.





Leave a comment