જી. કે.જનરલ હોસ્પિ.ના મનોચિકિત્સકોના મતે આત્મહત્યા વિશે વાત કરવી એ નબળાઈ નહીં હિંમત છે

– આત્મહત્યા અટકાવવા સહાનુભૂતિ ને સધિયારો મોટી દવા:

માનવી ક્યારેક અનેક સંતાપથી ઘેરાઈ જાય છે.ઘોર નિરાશા,બીજા ઉપર બોજ બની જવાની પીડા,ક્યાંક સામાજિક દૂરી,નશાની લત, એકાએક ઊભી થયેલી ચિંતાઓ, અસહ્ય પીડા,આર્થિક તંગી વિગેરે જીવનનો અંત લાવવા તરફ દોરી જતા ભયાનક પરિબળો છે.તો બીજી તરફ મનોચિકિત્સક સમક્ષ આ ગંભીર માનસિકતાને અટકાવવાનો પણ એટલોજ મોટો પડકાર છે.

વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ ૧૦ મી સપ્ટે.ના રોજ ઉજવાતા આ દિવસ નિમિતે અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે.જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે આત્મહત્યાના ઘણા કિસ્સાઓમાં માનસિક બીમારી, ખાસ કરીને ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, ગંભીર ચિંતા, વ્યસન અથવા અન્ય માનસિક સમસ્યાઓનું મોટું કારણ હોઈ શકે છે. યોગ્ય સમયે નિદાન અને સારવારથી વ્યક્તિને જીવન તરફ પરત લાવી શકાય છે.જી.કે. માં કાઉન્સેલિંગ અને દવાના સહારે આ સમસ્યા દૂર કરવા પ્રયત્નો કરાય છે.

સહાનુભૂતિ, પ્રથમ પગલું:

દેશમાં દર વર્ષે સરેરાશ ૧.૭૫ લાખથી વધુ આત્મહત્યા થાય છે,તો તેમને કેમ અટકાવવા એ અંગે હોસ્પિટલના મનોચિકિત્સક ડો.રિધ્ધિ ઠક્કર અને ડો.નીરવ ચાનપાના જણાવ્યા મુજબ  આજે  પણ માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા વિશે વાત કરવામાં સંકોચ અનુભવાય છે. “લોકો શું કહેશે?”, જેવી માન્યતાઓ વ્યક્તિને મદદ મેળવવાથી દૂર રાખી શકે છે. હકીકતમાં, સહાનુભૂતિપૂર્વક વાત કરવાથી વ્યક્તિને સધિયારો મળે છે, જે મદદ મેળવવા તરફનું પ્રથમ પગલું  બની શકે છે.

આવા સંકેતો મળે તો સાવધાન:

હોસ્પિટલના સાયકોલોજિસ્ટ હેતલ ગોહિલે કહ્યું કે,આત્મહત્યા અટકાવવાનો બીજો ઉપાય છે શાંત બનીને દુઃખી જનની વાત સાંભળવી.’હું તારી સાથે છું ‘,એવા સંવેદનશીલ શબ્દો સીધી અસર કરે છે.સાથે સાથે સાંભળતી  વખતે વ્યક્તિ એવા સંકેતો આપે જેમ કે હવે હું ટૂંક સમયમાં જતો રહીશ,આના કરતાં મારી જવું સારું.બોજ સમાન છું. અને સાંભળતી વખતે વ્યક્તિનું વર્તન જેમકે દોસ્તો અને  સમાજ ને પરિવારથી દૂર જતો લાગે કે પ્રિય વસ્તુ અન્યને આપી દેવાની વાત કરે જેવા સંકેત મળે તો તુરત સતેજ બની જવું અને પ્રથમ તો આવી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્ય  અને સહાયતા સાથે જોડવી.તેને એકલો તો ન જ છોડવો.     

માનસિક સ્વાસ્થ્ય સેવા: ટોલ ફ્રી નંબર:

જે વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવે એ ગંભીર માનસિક સંકટનો સંકેત હોવાથી તેમણે એકલા તો ન જ રહેવું. અને નજીકના સગા કે દોસ્ત સાથે વાત કરવાથી ઘોર નિરાશા વચ્ચે પણ આશાનું એક કિરણ દેખાશે.વધુમાં કેન્દ્ર સરકારની Tele -MANAS:માનસિક સ્વાસ્થ્ય સેવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૮૯૧-૪૪૧૬(૨૪બાય૭ ઉપલબ્ધ) ઉપર સંપર્ક કરી શકાય.આ સેવા સંપૂર્ણ ખાનગી અને નિઃશુલ્ક છે.

Leave a comment

Trending