જી. કે. જન. હોસ્પિ.ના સર્જરી વિભાગે પિતાશયની પથરીની ગંભીરતા સાથે  લક્ષણો,સારવાર અને સાવચેતી અંગે આપી માહિતી

પથરી આમ તો સામાન્ય સમસ્યા છે. કિડનીની પથરીની દરેકને ખબર છે, પરંતુ પિતાશયની પથરી (ગોલ સ્ટોન્સ) પણ હવે સામાન્ય બની ગઈ છે. આમાં પણ દુખાવો શરૂ થાય ત્યારે સ્થિતિ ગંભીર બની જતી હોય છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સર્જન ડો.સિધ્ધાર્થ શેઠિઆએ કહ્યું કે, શરીરમાં લીવરની નીચે આવેલી નાનીથેલી જેવી રચનાને પિતાશય કહેવામાં આવે છે. પિતાશય લીવર દ્વારા બનાવવામાં આવતા પિત્તનો સંગ્રહ કરે છે, જે ચરબીયુક્ત પદાર્થને પચાવવાનું કામ કરે છે, જ્યારે પિતાશયમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય ત્યારે આગળ જતા તે પથરીનું રૂપ ધારણ કરે છે. સામાન્ય રીતે તે રેતીના કણ જેટલી અથવા તો ગોલ્ફના દડા જેટલી મોટી પણ હોઈ શકે છે.

પિતાશયની પથરી થવાના કરણો અંગે તેમણે કહ્યું કે,પુરુષ કરતાં સ્ત્રીઓમાં તે વધુ જોવા મળે છે. કોલેસ્ટ્રોલનું વધવું,મેદસ્વિતા  ઉપરાંત ખૂબ જ ઝડપથી વજન ઘટાડવાથી પણ પિતાશયમાં ચરબી થવાનું જોખમ રહે છે.

સામાન્ય સંજોગોમાં આ પથરી શાંત પડી રહે છે, જેને સાયલેન્ટ સ્ટોન્સ પણ કહેવાય છે, પરંતુ   પેટના ઉપરના જમણા ભાગમાં અચાનક અને સખત દુખાવો થાય અને  પીઠ અથવા જમણા ખભા સુધી ફેલાય, ઉબકા,ઉલટી, એસિડિટી અને ગેસની તેમાં ફરિયાદ વધી જાય છે. જો પિતની નળી સંપૂર્ણ બ્લોક થઈ જાય તો કમળો પણ થઈ શકે છે.

આવા દુખાવાનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જરૂરી બને છે. આ પથરીનું નિદાન સોનોગ્રાફીથી કરાય છે. કિડનીની પથરીની જેમ આ પથરી દવાઓથી ઓગળતી નથી કે પેશાબ  વાટે  નીકળતી નથી. ઓપરેશન જ તેનો વિકલ્પ છે ઓપરેશન કરીને આખું પિતાશય  કાઢી નાખવું  જ  હિતાવવા રહે છે. જી.કે. માં છેલ્લા એક વર્ષ દરમિયાન આવા ૧૫૦ થી વધુ ઓપરેશન કરાવવામાં આવ્યા છે.

આ સર્જરી હવેથી દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપીથી પણ શક્ય બની છે.જે ખૂબ જ સરળ છે. કાપા વિના કરાતી આ સર્જરી બાદ એક બે દિવસમાં જ દર્દીને રજા આપવામાં આવે છે, આયુષ્ય માન કાર્ડથી પણ ઓપરેશન થાય છે.વળી પિતાશય કાઢવાથી પાચનતંત્ર પર કોઈ અસર થતી નથી.બચાવ અંગે તબીબો કહે છે કે, સંતુલિત ભોજન લેવું, તળેલા, મેંદાવવાળા કે જંકફૂડથી દૂર રહેવું.વજન ઓછું રાખવું.કસરત કરવી.જોકે આવી પથરીથી ગભરાવવાની જરૂર નથી તો અવગણના પણ ન કરવી.

Leave a comment

Trending