ગુજરાતમાં હીટ વેવથી લોકો ત્રાહિમામ

ગુજરાતમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે, લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં ગરમીને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હીટવેવને લઈને યલો અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે કાળઝાળ ગરમીમાં સુરક્ષિત રહેવા શું-શું કરવું, ચાલો જાણીએ. 

હીટવેવ દરમિયાન શું સાવચેતી રાખવી

• દિવસ દરમિયાન તરસ ન લાગે તો પણ દર 20-30 મિનિટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહો. પાણી ઉપરાંત છાશ, નારિયેળ પાણી અથવા લીંબુ અને વરીયાળીના શરબત જેવા કુદરતી પીણા લેતા રહો, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જાળવી રાખશે.

• હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો.

• તાજો અને પચવામાં હળવો ખોરાક જ આહાર તરીકે લો. વધુ પડતા પ્રોટીનયુક્ત, મસાલેદાર, તળેલા કે વાસી ખોરાકથી બચો. કાચી ડુંગળી અને કાકડી તરબૂચ, ટેટી જેવા પાણીથી ભરપૂર ફળોનું સેવન કરો.

• શક્ય હોય ત્યાં સુધી બપોરે 12થી 4 કલાક દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળો. જો નીકળવું જ પડે, તો માથું અને કાન રૂમાલથી ઢાંકેલા હોવા જોઈએ.

• જ્યારે તાપમાન પારો 45°C ને પાર કરે અથવા અત્યંત ગંભીર સ્થિતિ હોય ત્યારે, અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળો.

• દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો. ઘરની બારીઓ પર પડદા રાખો અને ઘરને ઠંડુ રાખો.

• ORSનું દ્રાવણ ઘરે વસાવો. ડીહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તુરંત તેનો ઉપયોગ શરૂ કરો.

વિવિધ વયજૂથ માટે વિશેષ સૂચનાઓ

• બાળકો અને નવજાતને સીધા તડકાથી બચાવો. વારંવાર પાણી કે પ્રવાહી આપતા રહો. તેમને ક્યારેય બંધ પાર્ક કરેલી ગાડીમાં એકલા ન છોડો.

• જે પણ વૃદ્ધ અને બીમાર વ્યક્તિને બીપી, ડાયાબિટીસ કે હૃદયની બીમારી છે, તેમને ઠંડકવાળા વાતાવરણમાં જ રાખવા. તબિયતમાં થોડો પણ ફેરફાર જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો.

• કામદારો અથવા શ્રમિકોએ બપોરના સમયે ભારે શારીરિક શ્રમ ટાળવો. કામના સ્થળે શેડ અને પીવાના પાણીની વ્યવસ્થા રાખવી.

• મુસાફરોએ લાંબી મુસાફરી દરમિયાન પોતાની સાથે પાણીની બોટલ અને પ્રાથમિક સારવારની કીટ અવશ્ય સાથે રાખવી.

• ખૂબ ઊંચો તાવ આવવો.

• માથામાં અસહ્ય દુખાવો અને ચક્કર આવવા.

• ઊબકા કે ઉલટી થવી.

• ત્વચા લાલ, ગરમ અને સૂકી થઈ જવી.

હીટ સ્ટ્રોક અથવા લૂ લાગ્યા બાદનો પ્રાથમિક ઉપચાર

• અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ લઈ જવો.

• શરીર પર ઠંડા પાણીના પોતાં મૂકવા.

• જો વ્યક્તિ ભાનમાં હોય, તો તેને ધીમે-ધીમે પાણી અથવા ORS પીવડાવવું.

• તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ લેવી અથવા વ્યક્તિને નજીકના દવાખાને ખસેડવો.

Leave a comment

Trending