ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત કચ્છ યુનિ.ના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગ તેમજ કચ્છ મ્યૂઝિયમના સંયુક્ત ઉપક્રમે મ્યૂઝિયમના એક્ઝિબિશન હોલ ખાતે ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ કલાવીથિનો શુભારંભ થયો છે.
આ પ્રસંગે કુલપતિ પ્રો. ડૉ. મોહનભાઈ પટેલ, મ્યૂઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા, પુરાતત્વ વિભાગના અધિકારી જયપાલસિંહ જાડેજા, કચ્છ યુનિ.ના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગના પ્રો. સમીરભાઈ અને પ્રો. કાશ્મીરાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 3 ડેઝ ઓફ ક્રિએટિવિટી થીમ પર આધારિત ઉત્સવમાં આગામી બે દિવસ વિવિધ સત્રો યોજાશે. જે અંતર્ગત આજે 18 મેના આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ નિમિત્તે વિશેષ સત્રનું આયોજન છે. જ્યારે કાલે 19 મેના લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન તથા સાંજે 5 કલાકે આર્ટ એન્ડ કલ્ચર વિષય પર ટૉક-શૉ યોજાશે. કલા પ્રદર્શન 19 મે સુધી સવારે 10 થી સાંજના 6.30 કલાક સુધી કલાપ્રેમીઓ, નાગરિકોની મુલાકાત માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે.મ્યૂઝિયમ દ્વારા કલામાં રસ ધરાવતા તમામ નાગરિકોને આ પ્રદર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.






Leave a comment