જી.કે. જન. હોસ્પિ. માં વીતેલા એપ્રિલમાં બ્લડબેંક દ્વારા ૯૦૦ યુનિટ બ્લડ એકત્રિત કરાયું

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બ્લડબેંક મારફતે વીતેલા એપ્રિલ માસમાં સ્થાનિક  રક્તદાતાઓને રકતદાન માટે પ્રેરિત કરી વીતેલા માસમાં ૪૬૫ બોટલ લોહી સ્થાનિક કક્ષાએથી જ  એકત્રિત કરવામાં આવ્યું હતું.

બ્લડબેંકના હેડ ડૉ.જિગ્નાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન સામાજિક સંસ્થાઓ દ્વારા અને ઈન્હાઉસ અંતર્ગત  હોસ્પિટલ માટે જરૂરી અને  પૂરક રક્ત મળી રહેતું હોય છે,પરંતુ આ વખતે એક બાજુ લગ્નસરાની સિઝન અને બીજી તરફ કાળઝાળ ગરમીમાં ગ્રામ વિસ્તારની સાથે સાથે  બ્લડબેંક દ્વારા જ સ્થાનિક કક્ષાએ રક્તદાન માટે લોકો પ્રેરિત થાય એ માટે  ઝુંબેશ શરૂ કરાઇ હતી, પરિણામે ઇન હાઉસમાં ૪૬૫  ઉપરાંત સંસ્થાઓના સહયોગથી બીજી ૪૩૫ બોટલ લોહી ભેગું થતા કુલ ૯૦૦ બ્લડ બેગ્સ હોસ્પિટલ માટે મેળવી શકાઈ જે ઉપયોગી થઈ રહી છે.

કચ્છના રક્તદાતાઓ કોઈપણ સંજોગોમાં રક્તદાન કરવાનું ચૂકતા નથી.રક્તદાન માટે સખત ગરમી વચ્ચે અને સામાજિક પ્રસંગો હોવા છતાં વિવિધ સ્થળોએ એપ્રિલ માસમાં પાંચ કેમ્પ યોજવામાં આવ્યા હતા. બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલે માહિતી આપતા ઉમેર્યું કે,મમુઆરા ક્રિકેટ ક્લબ અને નીરવ માણેક ટ્રસ્ટ   વાગડ રઘુવંશી સમાજ મારફતે વીતેલા માસમાં બ્લડ એકત્રિત કરવામાં અહમ ભૂમિકા નિભાવી હતી.આ ઉપરાંત મિત્રાંજલી ગ્રુપ ગણપતસિંહ સોઢા, ચુનડી ગૌશાળા ટ્રસ્ટ અને ક્ષેત્રપાળ દાદા મંદિર દુર્ગાપુર સંસ્થાનો પણ સુંદર સહયોગ સાંપડ્યો હતો.

દુર્ઘટના,ગંભીર ચોટ, ભારી રક્તસ્ત્રાવ,મોટી સર્જરી, જટીલ અને સખત બીમાર દર્દીઓ કે જેમને તાત્કાલિક લોહીની જરૂર પડતી હોય,થેલેસેમીયાના દર્દીઓ તેમજ પ્રસુતિ તથા સ્ત્રીરોગ વિભાગ સહિત અનેક કિસ્સામાં લોહીની અત્યંત જરૂરિયાત ઉભી થતી હોવાથી જરૂરિયાતમંદના ઉપયોગ માટે રક્તદાતાઓને આગળ આવવા જી.કે.બ્લડબેંક દ્વારા અનુરોધ કરાયો છે.

Leave a comment

Trending