અસ્થમા અર્થાત્ દમ એ દર્દીઓને હંફાવી નાખતો રોગ છે.આજે પણ વર્તમાન સમયમાં આરોગ્યની એક સમસ્યા છે,આજે પણ ૩૫ મિલિયનથી વધુ લોકો દમથી ભારતમાં પીડાય છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે,ત્યારે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના રેસ્પ્રિટરી વિભાગના તબીબોએ દમના દર્દીઓએ લેવાની થતી કાળજી,વહેલું નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
હોસ્પિટલના આ વિભાગના હેડ ડૉ.કલ્પેશ પટેલે કહ્યું કે,સામાન્ય રીતે લોકો અસ્થમાના શરૂઆતી લક્ષણોને નજર અંદાઝ કરતા હોય છે, પરિણામે પરેશાની વધી જાય છે. વારંવાર શ્વાસ ચડવો,થોડું ચાલવાથી કે સીડી ચડવાથી હાંફી જવાય,છાતીમાં જકડન લાગે, શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે,ઠંડી હવામાં આવતા ઉધરસ જણાય, ગળામાં સિટી જેવો અવાજ આવે વિગેરે લક્ષણો દેખાય છે.જી.કે.માં દર મહિને સરેરાશ ૧૦૦ની આસપાસ દર્દીઓ સારવાર લે છે.
હોસ્પિટલમાં દમની તપાસ માટે પી.એફ.ટી.(પલ્મોનરી ફંકશન ટેસ્ટ) તેમજ દમને લગતા લોહીની તપાસ કરી આપવામાં આવે છે.દમના દર્દીઓએ જાતેજ ચકાસી લેવું કે,કે બાબતથી મુશ્કેલી સર્જાય છે તો તેનાથી દૂર રહેવું.
કારણો અંગે તબીબોએ જણાવ્યું કે,ધૂળ,માટી,રજકણો અને પાળતુ જાનવરોના વાળ, ફંગસ એલર્જી,ધુમાડો,ધૂમ્રપાન વિગેરેને કારણે શ્વાસની નળીઓમાં સોજો વધી જાય છે,જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.આ ઉપરાંત તણાવ,સખત પર્ફ્યુમ,ચેપ, ફ્લૂ અને શરદી પણ ભાગ ભજવે છે.આમ વધતા પ્રદૂષણ,અને પરિવર્તિત જીવનશૈલીને કારણે અસ્થમા વધી જાય છે.
સારવાર અંગે ડો.ફોરમ રૂપારેલ કહે છે કે,આજે પણ દમ માટે ઇન્હેલર્સ એક તાત્કાલિક જરૂરિયાત છે. જરૂરી ઉપાયો અંગે તબીબોએ વધુમાં કહ્યું કે,દવા અને ઇન્હેલર તબીબની સલાહ મુજબ લેવા,ફાસ્ટફૂડ,ઠંડા દ્રવ્યો લેવાથી દૂર રહેવું, માસ્ક પહેરવું,વ્યાયામ અને મહેનતના કામ પહેલા ઇન્હેલર આવશ્ય લેવું અને શ્વાસ ચડે તો ઇન્હેલર અને દવા તબીબની સલાહ મુજબ જ લેવા જોઈએ. દમના દર્દીઓએ ફ્લૂની રસી લેવી હિતાવહ છે.






Leave a comment