– સ્વાસ્થ્ય સેવા સિસ્ટમમાં નર્સિસની ભૂમિકા કરોડરજ્જુ સમાન:
મેડિકલ વિજ્ઞાનમાં ગમે તેવો આધુનિક યુગ આવે તો પણ હેલ્થ સિસ્ટમમાં ક્યારે ય પણ નર્સોનું મહત્વ કમ થવાનું નથી, કારણ કે, સ્વાસ્થ્ય સેવા પ્રણાલીઓમાં નર્સો જ કરોડરજ્જુ સમાન છે. એટલેજ આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગલની યાદમાં પ્રત્યેક વર્ષે ૧૨મી મેના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસે માત્ર નર્સોની કરુણા અને સમર્પણ જ નહીં તેમના કૌશલ્યને પણ બિરદાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય નર્સ પરિષદ વિશ્વભરમાં નર્સોના યોગદાનને ઉજાગર કરવા આ દિવસ મનાવે છે. આ વર્ષે “આપણી નર્સિસ આપણું ભવિષ્ય, સશક્ત નર્સિસ માનવીનું જીવન બચાવે છે.”તેવી થીમ આપી છે.જે દર્શાવે છે કે, હોસ્પિટલમાં નર્સિસ કેટલા સુસજ્જિત અને સમર્પણ ભાવથી દર્દીની સેવા કરે છે.એમ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ બેટી થોમસે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, નર્સિસની અનેક ભૂમિકા હોય છે. દર્દી હોસ્પિટલમાં આવે ત્યારે તેમનું પ્રથમ સ્વાગત નર્સ જ કરે છે અને દર્દી જ્યારે સ્વસ્થ થઈ વિદાય લે ત્યારે વિદાય પણ નર્સ જ આપે છે. તેમનું કામ માત્ર દર્દીઓને સ્વાસ્થ્યની સંભાળ રાખવી જ નથી, પરંતુ ઉપચારના દરેક તબક્કે મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવવાની હોય છે.
આ ભૂમિકા સતત સેવા અને સમર્પણ માંગી લે છે.હોસ્પિટલમાં દર્દીની ૨૪ કલાક સંભાળ રાખવી.ઓપરેશન સુચારૂ થાય એ માટે પણ તેમનું યોગદાન હોય છે,જેમકે ઓપરેશન પહેલા અને પછી દર્દીની સહાય અને દેખભાળ,પ્રસુતિ સમયે પ્રસૂતાની અને નવજાતની સંભાળ,સામુદાયિક શિક્ષણ સ્વાસ્થ્ય સેવામાં પણ તેમની રસીકરણ જેવી વિશિષ્ટ કામગીરી હોય છે,આમ તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે સચોટ ભૂમિકા પ્રદાન કરે છે.
એટલેજ નર્સિંગને સ્વાસ્થ્ય સેવાની અનોખી શક્તિ ગણવામાં આવે છે,જે કરુણા અને કૌશલ આધારિત છે. દર્દીની સેવામાં જ તેમનો માનવતાનો ભાવ સદાય રહેલો હોય છે.






Leave a comment