પેટ્રોલ-ડીઝલ ફરી થયું મોંઘું, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાથી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજો વધ્યો છે. છેલ્લા ગણતરીના દિવસોમાં ઈંધણના ભાવમાં આ ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.

તાજા ફેરફાર મુજબ, પેટ્રોલમાં પ્રતિ લિટરે ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લિટરે ₹2.71 નો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 25 મેની સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે.

અગાઉ 23 મેના રોજ ત્રીજી વખત પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો ઝીંકાયો હતો. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા હતા. જેના બાદના આજના વધારા સાથે પેટ્રોલ ડીઝલ હવે પ્રતિ લીટર 7.50 થી 8 રૂપિયા સુધી મોંઘા થઈ ચૂક્યા છે. 

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ (Geo-political tensions) અને ઊર્જા બજારમાં ઉતાર-ચઢાવને કારણે આયાત ખર્ચ વધી ગયો છે. દેશમાં ઈંધણનો પુરવઠો સ્થિર રાખવા માટે આ ભાવવધારો કરવો જરૂરી બન્યો હતો. નિષ્ણાતોના મતે, આ સતત વધારાને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સનો ખર્ચ વધશે, જેની સીધી અસર દૂધ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે.

Leave a comment

Trending