કચ્છમાં હાલમાં ડીઝલની ભારે તંગી વર્તાઈ રહી છે. ખેડૂતોથી લઈને સામાન્ય વાહનચાલકો ડીઝલ માટે પંપો પર કલાકો સુધી લાઈનો લગાવીને વલખાં મારી રહ્યા છે.
આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ડીઝલની ગેરકાયદે સંગ્રહખોરી કરવામાં આવતી હોવાની બૂમ ઉઠી હતી. આ સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કડક પરિપત્રને પગલે અંજાર મામલતદાર કચેરી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.
અંજાર તાલુકાના વરસામેડી ટોલનાકા નજીક ધમધમતી અનુપ ટ્રાન્સપોર્ટ કંપનીમાં દરોડો પાડીને અંદાજે 475 લિટર જેટલો શંકાસ્પદ ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
ગેરકાયદે ડીઝલના જથ્થા અંગેની બાતમી મળતા જ અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડા અને નાયબ મામલતદાર પરેશભાઈ ધરજિયા સહિત પુરવઠા શાખાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ટીમે વરસામેડી ટોલનાકા પાસે આવેલી અનુપ ટ્રાન્સપોર્ટ કંપનીના કમ્પાઉન્ડમાં રૂબરૂ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી કોઈપણ પ્રકારના આધાર-પુરાવા કે અધિકૃત બિલ વિનાનો 475 લિટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અધિકારીઓએ આ સમગ્ર જથ્થાને સીઝ કરીને કંપનીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Leave a comment