કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે ભુજમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત G-7 બોર્ડર આઉટ પોસ્ટ પર જવાનો સાથે સંવાદ અને G-7 તેમજ G-13 બોર્ડર આઉટ પોસ્ટનું લોકાર્પણ કર્યું. આ સાથે જ કંટ્રોલરૂમનું નિરીક્ષણ કરીને BSF જવાનો સાથે ભોજન લીધું હતું. ગુજરાતના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ક્ષેત્ર, ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા હરામીનાળા વિસ્તારની બોટમાં બેસીને મુલાકાત લીધી અને સુરક્ષાની સમીક્ષા કરી હતી.
પોતાના સંબોધનમાં અમિત શાહે BSF જવાનોના પરાક્રમ, સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ અને બંગાળમાં એક અઠવાડિયામાં જ નવી સરકાર દ્વારા ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSF દ્વારા જ ફેન્સિંગ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ-મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ, IBના ડાયરેક્ટર, સીમા પ્રબંધન સચિવ અને BSFના ડાયરેક્ટર જનરલ સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે BSFના જવાનો ખૂબ વિષમ આબોહવા અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં રહે છે, પરંતુ અહીં આવીને જ્યારે તેમને હસતા ચહેરાઓ સાથે ભારતની સરહદોની સુરક્ષામાં અડગ ઊભેલા જોઈએ છીએ ત્યારે લાગે છે કે તેમની સરખામણીમાં આપણું કામ ઘણું સરળ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે જ્યારે BSFના જવાનો નથી થાકતા તો આપણને થાકવાનો બિલકુલ પણ અધિકાર નથી.
અમિત શાહે કહ્યું કે BSFએ સ્થાપનાથી લઈને અત્યાર સુધી વીતેલા 60 વર્ષમાં દેશની બે સૌથી કઠિન સરહદોની સુરક્ષાની જવાબદારી ઉઠાવી છે. તેમણે જણાવ્યું કે આ સરહદો પર તૈનાત BSF જવાનોને -45 ડિગ્રીથી લઈને +45 ડિગ્રીથી વધુ તાપમાન સુધી દરેક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ક્યાંક કચ્છનું દુર્ગમ રણ છે, સિર ક્રિક અને હરામી નાળાની દલદલી જમીન છે, તો ક્યાંક રાજસ્થાનના રેતીના ઢુવાઓ વચ્ચે તૈનાત રહીને BSF જવાનોને કામ કરવું પડે છે.
કાશ્મીરની બરફીલી ચોટીઓ અને સુંદરવનના જંગલો વચ્ચે ગંગાસાગરના કિનારેથી લઈને મેઘાલય અને આસામના પહાડી અને વન ક્ષેત્રો સુધી BSFએ વીતેલા છ દાયકાઓમાં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. બળના 2000 જવાનોએ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ જ કારણે ભારત સરકાર અને દેશની 140 કરોડ જનતા હંમેશા BSF પ્રત્યે આદરની ભાવના રાખે છે અને ચેનની ઊંઘ પણ સૂવે છે.
અમિત શાહે જણાવ્યું કે BSF ની સ્થાપનાના 60મા વર્ષમાં સરકારે BSFની સરહદ સુરક્ષાની વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કર્યો છે. અમે આવનારા દિવસોમાં એક ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ બનાવીશું અને બોર્ડરની સુરક્ષાની જગ્યાએ ‘ટેરિટોરિયલ સુરક્ષા’ નો નવો કન્સેપ્ટ લોન્ચ કરીશું. તેમણે જણાવ્યું કે આમાં જનતા, સિવિલ પ્રશાસન, સ્થાનિક પોલીસ અને મિલિટ્રીની સાથે જ BSF જવાનોની પણ પ્રમુખ જવાબદારી હશે. સરકાર સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ હેઠળ સરહદ પર સુરક્ષા ગ્રીડને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે. આમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે અને ડ્રોન, રડાર, વોચ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને જવાનોની તૈનાતીથી એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી થશે. આના પછી કોઈ આપણી સરહદને ભેદવાની હિંમત નહીં કરી શકે.
અમિત શાહે જણાવ્યું કે અમે નવા ક્ષેત્રોને પણ BSFને આપવા પર વિચાર કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે આપણી સુરક્ષા ગ્રીડમાં સૌથી મોટી ખામી બંગાળમાં બોર્ડર પર અધૂરી ફેન્સિંગ હતી. ભૌગોલિક પરિસ્થિતિને તો બદલી શકાતી નથી, પરંતુ જ્યાં જમીન છે અને બોર્ડર ફેન્સ બની શકે છે, ત્યાં પણ આપણને જમીન મળી નહોતી. પરંતુ પાછલા દિવસોમાં બંગાળની જનતાના આશીર્વાદથી બંગાળમાં ભાજપ સરકાર બની અને મુખ્યમંત્રીએ એક સપ્તાહની અંદર જ બોર્ડર પર ફેન્સિંગ માટે જમીન આપવાનો નિર્ણય સૈદ્ધાંતિક સ્તરે કરી દીધો છે અને કેટલીક જમીન આપી પણ દીધી છે. તેમણે જણાવ્યું કે ફેન્સિંગ પૂરી થતા જ અમે ઘૂસણખોરી રોકવામાં સફળ થઈશું. જંગલ તેમજ નદી-નાળાઓના રસ્તે ઘૂસણખોરી રોકવા માટે ત્યાં પણ તકનીકી ફેન્સિંગનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં BSFના જવાનોના પરાક્રમ, સાહસ અને કર્તવ્ય નિષ્ઠાના કારણે આખી સરહદ સુરક્ષિત થશે.





Leave a comment