અદાણી મેડિકલ કૉલેજે છેલ્લા ૧૭ વર્ષમાં ૧૮૮૩ ડોક્ટર્સ સમાજની સેવામાં અર્પણ કરી કચ્છમાં મેડિ.ક્ષેત્રે ક્રાંતિ કરી

અદાણી મેડિકલ કોલેજ અને ગેઈમ્સ આજે કચ્છની આરોગ્ય સેવાનું હૃદય બની ગયું છે. અહીંથી દર વર્ષે તૈયાર થતા ૧૫૦ યુવા MBBS  અને ૧૦૦ જેટલા  MS તથા MD કક્ષાના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સ માત્ર ડિગ્રી લઈને નથી નીકળતા પણ એમની સાથે ધડકે છે સેવાના સંસ્કાર.

ડોક્ટર બન્યા પછી ગળામાં લટકતું સ્ટેથોસ્કોપ  માત્ર ધબકારા સાંભળી નિદાન કરવાનું સાધન નથી, પણ એની પાછળ છુપાયેલી છે, વર્ષોની મહેનત, રાતોના ઉજાગરા, દર્દીને સાજા  જોવાની ઝંખના અને  NEETથી લઈને  ઇન્ટરશીપ સુધીની વર્ષોની તપસ્યા, લાગણી અને જવાબદારી. જ્યારે સમવયસ્કો તહેવાર ઉજવતા હોય ત્યારે મેડિ. વિધાર્થીઓ લાયબ્રેરીમાં એનાટોમીના પુસ્તકો વાંચતા હોય છે.

સ્ટેથોસ્કોપ કાને લગાડીને ડોક્ટર માત્ર ધબકારા નથી સાંભળતા તેઓ સાંભળે છે દર્દીનો વિશ્વાસ અને એ વિશ્વાસ સાચવવાની જવાબદારી અદાણી મેડિકલ કોલેજ છેલ્લા ૧૭ વર્ષથી નિભાવી રહ્યું છે. વર્ષ ૨૦૦૯ થી ગેઈમ્સમાં ડોક્ટર અને ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુટ ડોક્ટર તૈયાર કરવાની જવાબદારી સ્વીકારી અને અત્યાર સુધી આ બંને મળીને કુલ ૧૮૮૩ ડોક્ટર કચ્છને મેડિકલ કોલેજે આપ્યા છે.

આ તબીબોમાં ૧૬૪૩ MBBS અને ૨૪૦ MS અને MD તેમજ અન્ય વિભાગો જેમકે ઓર્થો, ENT, ઓપ્થલ જેવા બીજા વિભાગોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આગામી દિવસોમાં જ્યારે સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અદાણી મેડિકલ કોલેજ પણ તેમાં પદાર્પણ કરી કચ્છમાં તબીબી  સેવા ક્ષેત્રે  નવા સોપાન સર કરશે અને ડોકટરની આવશ્યક જરૂરિયાત સંતોષી શકશે. એમ મેડિકલ ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણી અને ડીન ડો.અજીતકુમાર ખીલનાનીએ જણાવ્યું હતું.

૧લી જુલાઈ   રાષ્ટ્રીય  ડોક્ટર્સ ડે નિમિતે જ્યારે આ દિવસની ઉજવણી થાય છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં ગેઈમ્સે આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ કરી છે. જેમાં અત્રેના તમામ ડોક્ટર્સ, પ્રોફેસર્સ, પેરા મેડિકલ સ્ટાફ અને મેડિકલ વિધાર્થીઓનો મોટો ફાળો છે.સ્ટેથોસ્કોપ પાછળ છુપાયેલું આ પણ એટલું જ  સત્ય છે.

Leave a comment

Trending