કચ્છની દરિયાઈ સરહદનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાના નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર ન્યાયતંત્રએ લાલ આંખ કરી છે. ભુજની સ્પેશિયલ NDPS કોર્ટે દેશની આંતરિક સુરક્ષા અને યુવાધનને બરબાદ કરવાના આ ગંભીર ષડયંત્રમાં સામેલ 19 ડ્રગ માફિયાઓને સખત સજા ફટકારી છે. સજા પામેલા ગુનેગારોમાં 18 પાકિસ્તાની અને એક અફઘાની નાગરિકનો સમાવેશ થાય છે, જેમને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા આપી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા જુદા જુદા ત્રણ સફળ ઓપરેશન્સ હાથ ધરીને આ અંદાજે રૂપિયા 575 કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.
આ કેસોની વિગતવાર વાત કરીએ તો, પ્રથમ ઘટના જાન્યુઆરી 2020ની છે. ગુજરાત ATSએ 6 જાન્યુઆરી 2020ના રોજ ગુપ્ત માહિતીના આધારે જખૌ નજીક સમુદ્રમાં એક પાકિસ્તાની ફિશિંગ બોટને આંતરી હતી, જેમાંથી રૂપિયા 175 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું. આ મામલામાં પકડાયેલા ચાર પાકિસ્તાની ઘૂસણખોરો, ઈસ્માઈલ મોહમ્મદ જામ, અનીશ ઈશા ભાટી, અબુબકર હાસમ કુંગરા અને અશર્રફ ઉસ્માન ભાટીને અદાલતે ગુનેગાર ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસના પાંચમા આરોપીનું ટ્રાયલ દરમિયાન અવસાન થતાં તેની સામેની કાયદાકીય કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી.
ડ્રગ્સ હેરાફેરીનો આવો જ બીજો મોટો પ્રયાસ એપ્રિલ 2021માં નાકામ કરવામાંવામાં આવ્યો હતો. 14 એપ્રિલ 2021ના રોજ એટીએસની ટીમે જખૌના દરિયાઈ વિસ્તારમાંથી રૂપિયા 150 કરોડની બજાર કિંમત ધરાવતા 30 કિલો હેરોઈન સાથે 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ પાકિસ્તાનના હૈદરી બંદરથી ડ્રગ્સનો જથ્થો ભરીને ભારતમાં સપ્લાય કરવાના ઈરાદે દરિયાઈ સરહદ ઓળંગીને ઘૂસ્યા હતા. કોર્ટે આ આઠેય આરોપીઓ, મુર્તજા, યામીન, મુસ્તફા, નસરુલ્લા, હુસૈન, સાલેમામદ, મહંમદ યાસિન અને રફીક આમદને પણ 20 વર્ષની જેલની સજા ફટકારી છે.
જ્યારે ત્રીજો કેસ ઓક્ટોબર 2022નો છે, જેમાં ATSએ સૌથી મોટો સપાટો બોલાવ્યો હતો. 8 ઓક્ટોબર 2022ના રોજ જખૌ દરિયા કિનારા પાસેથી રૂપિયા 250 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન ઝડપાયું હતું. આ કેસની તપાસ દરમિયાન પાકિસ્તાની નાગરિકો ઉપરાંત ડ્રગ્સના આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં એક અફઘાની કનેક્શન પણ સામે આવ્યું હતું. કોર્ટે આ કેસના સંદર્ભમાં અલી મોહમ્મદ, મમતાજ, શેર મોહમ્મદ, મોતીયા, ઈબ્રાહિમ, ઝાહિદ અબ્દુલ્લા તેમજ અફઘાનિસ્તાનના હેકમતુલ્લા નુરુલ્લાહને ગુનેગાર ઠેરવીને જેલભેગા કરવાનો આદેશ કર્યો છે.
ભુજ સેશન્સ કોર્ટે આ ત્રણેય હાઈ-પ્રોફાઈલ કેસોની સુનાવણી ચાલી હતી. કોર્ટે તમામ 19 વિદેશી નાગરિકોને NDPS એક્ટની કલમ 8 (c) અને કલમ 23 (c) હેઠળ દોષિત જાહેર કર્યા હતા. કાયદાની આ બંને કલમો હેઠળ તમામને 20-20 વર્ષની જેલ અને સાથે પ્રત્યેક આરોપીને રૂપિયા 2-2 લાખનો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, કોર્ટે આ બંને કલમો હેઠળની સજા અલગ-અલગ ભોગવવાનો આદેશ કર્યો છે. આ કેસોની તપાસ દરમિયાન એક ભારતીય સહિત બે શકમંદોની પણ અટકાયત કરાઈ હતી, પરંતુ પુરાવાઓના અભાવે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.
ચુકાદો આપતી વખતે ખાસ અદાલતે દેશની સુરક્ષા અંગે અત્યંત કડક અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવીને દેશના આંતરિક માળખાને તોડી પાડવાનું આ એક ખૂબ જ મોટું અને સુનિયોજિત કાવતરું હતું, જેને સામાન્ય ગુનો ગણી શકાય નહીં. નશાની આ બદી માત્ર વ્યક્તિગત નુકસાન નથી કરતી, પરંતુ દેશની આંતરિક સુરક્ષા સામે બહુ મોટો પડકાર ઊભો કરે છે. આ સમગ્ર કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલે દલીલો અને મજબૂત સાક્ષીઓ રજૂ કર્યા હતા.






Leave a comment