અદાણી મેડિકલ કોલેજના એનાટોમી અને કચ્છ યુનિ.ના ફાઈન આર્ટસ દ્વારા  આયોજિત વર્કશોપમાં શરીર રચનાના ચિત્રીકરણની સમજ અપાઈ

અદાણી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગ અને કચ્છ યુનિ.ના સંયુક્ત ઉપક્રમે ફાઈન આર્ટસના વિધાર્થીઓએ કુદરતના કરિશ્મા સમાન ખોપરી થી લઈને પગ સુધી સર્જનહારે રચેલી સ્કેલેટન અર્થાત્ અસ્થિ ગૂંથણીને કલાના માધ્યમથી કાગળ ઉપર હુબહુ વણી લઈ કોલેજમાં પ્રદર્શનરૂપે પ્રસ્તુત કર્યું હતું.  

કાગળ ઉપર ચિત્રીકરણ કરાયેલા આ “અસ્થિ દર્શન” પ્રદર્શનને નિહાળી ગેઈમ્સના ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણી,ડીન ડો. અજીતકુમાર ખીલનાની અને યુની.ના ડો. કાશ્મીરા મહેતાએ પ્રભાવિત થઈ કહ્યું કે,આ એવું સર્જન છે કે,ફાઈન આર્ટસના વિધાર્થીઓને શરીર રચના સરળતાથી સમજાશે અને  આર્ટ પ્રેમીઓને ચિત્રની નવીશૈલી જોવા મળશે.

કચ્છ યુનિના ફાઈન આર્ટસના પ્રોફે નવીનભાઈ સોની અને વિઝિટિંગ પ્રોફે.જીગર સોનીએ જણાવ્યું કે,કળા અને વિજ્ઞાન જ્યારે હાથ મિલાવે છે,ત્યારે માનવી પોતને નવેસરથી ઓળખે છે.અન્ય વિઝિટિંગ પ્રોફે.રત્નેશ પાંડેએ પણ  અસ્થિતંત્રના તમામ પાસાઓને આ પ્રદર્શનમાં ગૂંથી લેવા સમજ આપી હતી. અદાણી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના હેડ ડો.સચિન પાટીલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મેડિકલ કોલેજમાં ત્રણ દિવસ ચાલેલા આ વર્કશોપમાં અસ્થિને કેવી રીતે આર્ટમાં ઉતારવી તે અંગે વિધાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું અને તેની ફળશ્રુતિ સ્વરૂપે  આયોજિત પ્રદર્શનથી ફાઈન આર્ટસના વિધાર્થીઓને આ ક્ષેત્રે એક નવી દિશા મળી છે.

Leave a comment

Trending