ભારતમાં યુવા વૈજ્ઞાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને દેશમાં સંશોધનની સંસ્કૃતિને વધુ મજબૂત કરવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અદાણી ગ્રૂપ દ્વારા આર્થિક રીતે સમર્થિત ‘રિસર્ચ સાયન્સ ઇનિશિએટિવ’ (RSI)-ઇન્ડિયાની બીજી આવૃત્તિ શુક્રવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગલુરુ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની આગામી પેઢીના વૈજ્ઞાનિકોને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડીને તેમને તૈયાર કરવાનો છે.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન IISc દ્વારા અમેરિકા સ્થિત ‘સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એજ્યુકેશન’ (CEE) ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ ખાસ પહેલ અંતર્ગત દેશભરમાંથી પસંદ કરાયેલા અત્યંત તેજસ્વી અને ગુણવંત વિદ્યાર્થીઓને એકસાથે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સંસ્થાના પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યોના માર્ગદર્શન હેઠળ અદ્યતન સંશોધન પ્રયોગશાળાઓમાં (એડવાન્સ રિસર્ચ લેબ્સ) સીધું કામ કરવાનો પ્રાયોગિક અનુભવ મેળવ્યો હતો.
આ વૈજ્ઞાનિક અભિયાનની સૌથી મોટી વિશેષતા એ રહી કે અદાણી ગ્રૂપના સંપૂર્ણ સહયોગને કારણે પસંદ કરાયેલા તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના આર્થિક બોજ વિના, તદ્દન મફત (ફ્રી ઓફ કોસ્ટ) આ સંશોધન કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા હતા. વિદ્યાર્થીઓની પસંદગી માત્ર અને માત્ર તેમની ગુણવત્તા અને મેરિટના આધારે કરવામાં આવી હતી.
છ સપ્તાહ લાંબો આ સઘન સંશોધન કાર્યક્રમ એક ભવ્ય ‘સ્ટુડન્ટ રિસર્ચ સિમ્પોઝિયમ’ સાથે સમાપ્ત થયો હતો. આ દરમિયાન સહભાગી વિદ્યાર્થીઓએ વિવિધ STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) ક્ષેત્રોમાં પોતે કરેલા વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત કોન્ફરન્સ-શૈલીના સંશોધન પત્રો અને મૌખિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શને તેમની અઠવાડિયાની આકરી મહેનત અને ઉત્કૃષ્ટ માર્ગદર્શનની ઝાંખી કરાવી હતી. સમાપન સમારોહમાં શ્રેષ્ઠ પ્રસ્તુતિઓ કરનારને એવોર્ડ્સ એનાયત કરાયા હતા અને તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે બોલતા, પલસમુદ્રમ ફેમિલી ટ્રસ્ટના સ્થાપક અને IISc ના સલાહકાર સંજય પલસમુદ્રમે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અમેરિકાની જગપ્રસિદ્ધ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) ના રિસર્ચ સાયન્સ ઇનિશિએટિવ મોડલ પર આધારિત છે. તેમણે અદાણી ગ્રૂપનો આભાર માનતા ઉમેર્યું કે દેશના નિર્માણમાં STEM સંશોધન ખૂબ મહત્વનું છે, અને આવી કોર્પોરેટ સીએસઆર પહેલથી દેશના વિજ્ઞાન ક્ષેત્રને નવી ઊંચાઈઓ મળશે.






Leave a comment