આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની વિપ્રો લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો પ્રથમ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 0.6% વધીને 3,352 કરોડ રૂપિયા રહ્યો.
ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને 3,330 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે, વિપ્રોની આવક એનાલિસ્ટના અંદાજ કરતાં ઓછી રહી. પરિણામોની સાથે જ કંપનીના બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર 2 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી.
પ્રથમ ક્વાર્ટરમાં વિપ્રોની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 10.6% વધીને 24,479 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. આમ છતાં, રોયટર્સ-LSEGના ડેટા અનુસાર, તે એનાલિસ્ટના સરેરાશ અંદાજ (24,776 કરોડ રૂપિયા) કરતાં ઓછી રહી. જો ક્વાર્ટર-દર-ક્વાર્ટર ધોરણે જોઈએ તો, કંપનીની કુલ આવકમાં 1%નો નજીવો વધારો નોંધાયો છે.
વિપ્રોના આઇટી સર્વિસિસ બિઝનેસનું રેવન્યુ 2.61 બિલિયન ડોલર રહ્યું. આ વાર્ષિક ધોરણે 1% વધુ છે, પરંતુ પાછલા ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 1.4%નો ઘટાડો થયો છે.
કોન્સ્ટન્ટ કરન્સીના સંદર્ભમાં આઇટી સર્વિસિસના રેવન્યુમાં ત્રિમાસિક ધોરણે 1.2%નો ઘટાડો અને વાર્ષિક ધોરણે 0.9%નો વધારો જોવા મળ્યો છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન વિપ્રોની કુલ બુકિંગ 3.37 બિલિયન ડોલર રહી, જે કોન્સ્ટન્ટ કરન્સીમાં અગાઉના ત્રિમાસિક ગાળા કરતાં 2.4% ઓછી છે. જોકે, કંપની માટે રાહતની વાત એ રહી કે મોટી ડીલ્સના બુકિંગમાં ત્રિમાસિક ધોરણે 12.9%નો શાનદાર ઉછાળો આવ્યો અને તે 1.63 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું.
કંપનીનું IT સર્વિસિસ ઓપરેટિંગ માર્જિન 16% રહ્યું છે. તેમાં અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 130 બેસિસ પોઈન્ટ્સ અને ગયા વર્ષની સરખામણીમાં 120 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.
આ ત્રિમાસિક ગાળામાં ઓપરેટિંગ કેશ ફ્લો 3,288 કરોડ રૂપિયા રહ્યો, જે કુલ નેટ ઇનકમનો 98% છે. જ્યારે, છેલ્લા 12 મહિનાના આધારે કંપનીનો વોલન્ટરી એટ્રિશન રેટ એટલે કે કર્મચારીઓનો નોકરી છોડવાનો રેશિયો 13.9% નોંધાયો.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર એટલે કે બીજા ક્વાર્ટર માટે વિપ્રોએ IT સર્વિસિસ રેવન્યુનો અંદાજ 2.57 બિલિયન ડોલરથી 2.63 બિલિયન ડોલરની રેન્જમાં રાખ્યો છે. તેનો અર્થ એ છે કે આગામી ક્વાર્ટરમાં કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ -1.5% થી 0.5% ની વચ્ચે રહી શકે છે.
વિપ્રો લિમિટેડ એક અગ્રણી ટેકનોલોજી સર્વિસિસ અને કન્સલ્ટિંગ કંપની છે. 65 દેશોમાં તેની હાજરી છે. અઝીમ પ્રેમજીને 1966માં 21 વર્ષની ઉંમરે તેમના પિતા પાસેથી વિપ્રોનો કંટ્રોલ વારસામાં મળ્યો હતો.
તેમની આગેવાની હેઠળ, વિપ્રોએ વનસ્પતિ તેલના ઉત્પાદનથી લઈને IT સર્વિસિસ, સોફ્ટવેર સોલ્યુશન્સ અને કન્સલ્ટિંગ સર્વિસિસ પ્રદાન કરવા સુધી વૈવિધ્યકરણ કર્યું.





Leave a comment