કેન્દ્ર સરકારે સ્વતંત્રતા દિવસના અવસરે પોલીસ અને ફાયર સર્વિસના 301 કર્મચારીઓને ગેલેન્ટ્રી મેડલ આપવાની જાહેરાત કરી છે. આમાં 272 પોલીસકર્મી અને 29 ફાયર સર્વિસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર, આ મેડલ જીવ બચાવવા, સંપત્તિનું રક્ષણ કરવા, ગુના રોકવા અથવા ગુનેગારોને પકડવા દરમિયાન દર્શાવવામાં આવેલી અસાધારણ બહાદુરી માટે આપવામાં આવ્યા છે.
301 ગેલેન્ટ્રી એવોર્ડમાંથી સૌથી વધુ 197 મેડલ લેફ્ટ વિંગ એક્સટ્રીમિઝમ (LWE) પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત કર્મચારીઓને મળ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના 51, નોર્થ-ઈસ્ટના 12 અને અન્ય વિસ્તારોના 41 કર્મચારીઓને પણ બહાદુરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સ્વતંત્રતા દિવસે કુલ 1,057 પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને જેલ વિભાગના કર્મચારીઓને ગેલેન્ટ્રી અને સર્વિસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આમાં 301 ગેલેન્ટ્રી મેડલ ઉપરાંત અલગ-અલગ કેટેગરીના સર્વિસ મેડલનો સમાવેશ થાય છે.
સરકારે 92 પોલીસ અને અન્ય સેવા કર્મચારીઓને રાષ્ટ્રપતિ પદક ફોર ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ (PSM) આપવાની પણ જાહેરાત કરી છે. તેમાં 83 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ, 3 સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ અને 2 જેલ સેવાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ મેડલ લાંબા સમય સુધી ઉત્તમ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.
આ ઉપરાંત, 664 કર્મચારીઓને મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ (MSM) આપવામાં આવ્યા છે. તેમાં 606 પોલીસ, 28 ફાયર સર્વિસ, 18 સિવિલ ડિફેન્સ અને હોમ ગાર્ડ અને 12 જેલ સેવાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સન્માન કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા અને ઉત્તમ સેવા માટે આપવામાં આવે છે.






Leave a comment