ગુજરાતમાં આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો 73.23% વરસાદ નોંધાયો છે. જો કે, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ યથાવત્ છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 20 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં 15મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, શુક્રવારે(14 ઓગસ્ટ) રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા જિલ્લામાં 30-40 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, રાજ્યમાં આગામી 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

Leave a comment

Trending